IPL 2025 Final: ફાઇનલમાં વરસાદ બગાડી શકે છે ખેલ, જો મેચ રદ્દ થશે તો કોણ બનશે ચેમ્પિયન?
IPL 2025 Final: RCB એ ક્વોલિફાયર-1 મેચમાં પંજાબ કિંગ્સને 8 વિકેટથી હરાવીને ટાઇટલ મેચમાં પ્રવેશ કર્યો હતો

IPL 2025 Final: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની ફાઇનલ 3 જૂન (મંગળવાર)ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. RCB એ ક્વોલિફાયર-1 મેચમાં પંજાબ કિંગ્સને 8 વિકેટથી હરાવીને ટાઇટલ મેચમાં પ્રવેશ કર્યો હતો. પંજાબ કિંગ્સે ક્વોલિફાયર-2 મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) ને 5 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
આઇપીએલની વર્તમાન સીઝનમાં પણ વરસાદનો કહેર જોવા મળ્યો છે અને ત્રણ મેચ ધોવાઈ ગઈ હતી. ક્વોલિફાયર-2 મેચ પણ વરસાદને કારણે ખૂબ મોડી શરૂ થઈ હતી, જે અમદાવાદમાં જ રમાઈ હતી. આવી સ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો IPL 2025ની ફાઇનલ દરમિયાન વરસાદ પડે છે અથવા કોઈ અન્ય કારણોસર મેચ યોજાતી નથી, તો ચેમ્પિયન ટીમ કેવી રીતે નક્કી થશે.
જો વરસાદ કે અન્ય કોઈ કારણોસર 3 જૂને ઓછામાં ઓછી પાંચ ઓવરની રમત શક્ય ન બને તો મેચ રિઝર્વ ડે (4 જૂન) પર જશે. જોકે, BCCI એ 120 મિનિટનો વધારાનો સમય રાખ્યો છે, જેથી પરિણામ એક દિવસમાં આવી શકે. તેમ છતાં જો પરિણામ ન આવે તો રિઝર્વ ડેનો ઉપયોગ કરવામાં આવશે. રિઝર્વ ડે પર મેચ જ્યાંથી અટકી હતી ત્યાંથી શરૂ થશે. જો વરસાદ રિઝર્વ ડેમાં પણ વિક્ષેપ પાડે છે અને ઓછામાં ઓછી પાંચ ઓવરની રમત શક્ય ન બને તો ઇન્ડિયન પ્રીમિયર લીગનો વિજેતા સુપર ઓવર દ્વારા નક્કી કરી શકાય છે.
જો સુપર ઓવર પણ શક્ય ન હોય તો વિજેતાનો નિર્ણય પોઈન્ટ ટેબલના આધારે કરવામાં આવશે. વર્તમાન સીઝનમાં પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ બીજા સ્થાને છે. એટલે કે, જો મેચ ધોવાઈ જાય છે તો પંજાબ કિંગ્સને વિજેતા જાહેર કરવામાં આવશે.
પ્લેઓફ માટે આ નિયમ છે
IPLની રમતની સ્થિતિ અનુસાર, જો ફાઇનલ, એલિમિનેટર, ક્વોલિફાયર-1, ક્વોલિફાયર-2 મેચ ટાઇ થાય છે અથવા કોઈ પરિણામ નથી આવતું, તો આ નિયમો લાગુ પડશે.
16.11.1: સંબંધિત ટીમો સુપર ઓવરમાં એકબીજા સામે સ્પર્ધા કરશે. જો જરૂરી હોય તો વધારાની સુપર ઓવર પણ યોજાશે જેથી વિજેતા નક્કી કરી શકાય.
16.11.2: જો મેચમાં સુપર ઓવર યોજવામાં ન આવે તો IPL ની રમતની સ્થિતિના પરિશિષ્ટ F હેઠળ વિજેતા નક્કી કરવામાં આવશે. પરિશિષ્ટ F અનુસાર, લીગ તબક્કામાં જે પણ ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર હશે તેને વિજેતા જાહેર કરવામાં આવશે.
અમદાવાદનું હવામાન આ પ્રકારનું રહેવાનું છે
હવામાન વિભાગે 3 જૂને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર અરુણકુમાર દાસે જણાવ્યું હતું કે, 'અમારી આગાહી ખાસ કરીને અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનો સંકેત આપી રહી છે. અમદાવાદમાં તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા છે અને આકાશ પણ વાદળછાયું રહેવાની શક્યતા છે.
અમદાવાદે અગાઉ 2023ની આઈપીએલ સીઝનમાં પણ ફાઇનલનું આયોજન કર્યું હતું. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાયેલી તે ફાઇનલ વરસાદથી પ્રભાવિત થઈ હતી. ત્યારબાદ 28 મે, 2023ના રોજ એક પણ બોલ ફેંકાયો ન હતો. ત્યારબાદ મેચ રિઝર્વ ડે પર રમાઇ હતી. રિઝર્વ ડે પર પણ વરસાદને કારણે બીજી ઇનિંગ માત્ર 15 ઓવરની કરવામાં આવી હતી. તે ફાઇનલ ચેન્નઈ સુપર કિંગ્સે 5 વિકેટથી જીતી હતી.


















