RR vs KKR: આજે રાજસ્થાન અને કોલકાતા વચ્ચે ટક્કર, સતત 5 મેચ હારી ચુકી છે કોલકાતા, જાણો સંભવિત પ્લેઈંગ ઈલેવન
ટોચના ક્રમના બેટ્સમેનમાં વારંવાર થતા ફેરફારોની ખરાબ અસરોનો સામનો કરી રહેલી કોલકાતાની ટીમ યોગ્ય પ્લેઇંગ-11 પસંદ કરીને આજે જીત મેળવવાનો પ્રયાસ કરશે.
IPL 2022: 47મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ સામ-સામે ટકરાશે. ટોચના ક્રમના બેટ્સમેનમાં વારંવાર થતા ફેરફારોની ખરાબ અસરોનો સામનો કરી રહેલી કોલકાતાની ટીમ યોગ્ય પ્લેઇંગ-11 પસંદ કરીને આજે જીત મેળવવાનો પ્રયાસ કરશે. સાથે જ IPLમાં સતત 5 મેચમાં મળેલી હારનો ક્રમ તોડવાનો પ્રયત્ન પણ કોલકાતા કરશે. વેંકટેશ અય્યરના ખરાબ ફોર્મના કારમે KKRની ટીમે શરુઆતના બેટ્સમેનના ક્રમમાં વારંવાર ફેરફાર કરવાની ફરજ પડી હતી પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં.
કોલકાતાના બેટ્સમેનનું ખરાબ પ્રદર્શનઃ
KKRના કેપ્ટન શ્રેયસ અય્યરે છેલ્લી મેચ બાદ કહ્યું હતું કે, ખેલાડીઓ પણ ઈજાગ્રસ્ત હોવાથી યોગ્ય લય જાળવવી મુશ્કેલ બની છે. અમારે જવાબદારીપૂર્વક બેટિંગ કરવાની જરૂર છે. શ્રેયસે અત્યાર સુધીમાં 36.25ની એવરેજથી 290 રન બનાવ્યા છે, પરંતુ બીજા છેડેથી તેને કોઈ સપોર્ટ મળ્યો નથી. કેપ્ટન તરીકે, શ્રેયસે સારું પ્રદર્શન કર્યું પરંતુ તેણે તેના સાથી ખેલાડીઓને પણ પ્રોત્સાહિત કરવા પડશે. વેંકટેશની સાથે હરાજી પહેલાં ટીમમાં પસંદગી પામેલા વરુણ ચક્રવર્તીએ પણ નિરાશાજનક પ્રદર્શન કર્યું છે.
બટલરને રોકવાનો મોટો પડકારઃ
કોલકાતાના ટિમ સાઉથી, ઉમેશ યાદવ અને સુનીલ નારાયણ બોલિંગમાં પ્રભાવશાળી રહ્યા છે અને તેઓ ફોર્મમાં રહેલા રાજસ્થાનના તોફાની બેટ્સમેન જોસ બટલરને ઝલ્દી આઉટ કરવાનું લક્ષ્ય રાખશે. રાજસ્થાન બટલર પર ખૂબ જ નિર્ભર છે અને તેના 70.75ની એવરેજથી 566 રન ટીમને ટોપ 4માં યથાવત રાખી છે. જો કે, બટલર પાસેથી દરેક મેચમાં મોટો સ્કોર કરવાની અપેક્ષા રાખી શકાય નહીં અને તેથી સુકાની સંજુ સેમસને પણ સારું પ્રદર્શન કરવું પડશે.
રાજસ્થાનની બોલિંગ મજબૂતઃ
બોલિંગ એ રાજસ્થાનની મજબૂત બાજુ છે પરંતુ છેલ્લી મેચમાં ઝાકળની અસરના કારણે રાજસ્થાનના બોલર મુંબઈ ઈન્ડિયન્સને 159 રનનો સ્કોર હાંસલ કરતાં રોકી નહોતા શક્યા. યુઝવેન્દ્ર ચહલે આ સિઝનમાં અત્યાર સુધીમાં 13.68ની એવરેજથી 19 વિકેટ લીધી છે અને બોલરોની યાદીમાં તે સૌથી આગળ છે. તેના સિવાય રાજસ્થાન પાસે રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ અને પ્રસિદ્ધ કૃષ્ના જેવા બોલર છે.
કોલકાતા સંભવિત પ્લેઈંગ-11: એરોન ફિન્ચ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), નીતિશ રાણા, બાબા ઈન્દ્રજીત (વિકેટ કીપર), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, ઉમેશ યાદવ, ટિમ સાઉથી, હર્ષિત રાણા.
રાજસ્થાનની સંભવિત પ્લેઈંગ-11: જોસ બટલર, દેવદત્ત પડિકલ, સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટ કીપર), ડેરીલ મિશેલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ના, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ સેન.