હૈદરાબાદે રાજસ્થાનને ધોઈ નાખ્યું! બાઉન્ડ્રીનો વરસાદ વરસાવીને 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં હૈદરાબાદે 46 બાઉન્ડ્રી ફટકારીને રચ્યો નવો ઇતિહાસ, 20 ઓવરમાં બનાવ્યા 286 રન.

SRH most boundaries in IPL: સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમે IPLની 18મી સિઝનની શરૂઆત ધમાકેદાર અંદાજમાં કરી છે. રાજસ્થાન રોયલ્સ (RR) સામેની પોતાની પ્રથમ મેચમાં જ હૈદરાબાદે 44 રનની શાનદાર જીત નોંધાવી છે. આ સાથે જ ટીમે IPLના ઇતિહાસમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો 12 વર્ષ જૂનો એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદે આ મેચમાં પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 286 રન બનાવ્યા હતા, જે IPLના ઇતિહાસમાં કોઈપણ ટીમ દ્વારા નોંધાયેલો બીજો સૌથી મોટો સ્કોર છે. આ ઉપરાંત, ટીમે રાજસ્થાન રોયલ્સને 44 રને હરાવીને વિજયી શરૂઆત કરી છે. પરંતુ આ મેચમાં હૈદરાબાદના બેટ્સમેનોએ બાઉન્ડ્રી ફટકારવામાં જે કમાલ કરી છે, તે IPLના ઇતિહાસમાં આજ સુધી કોઈ ટીમ કરી શકી નથી.
રાજસ્થાન રોયલ્સ સામેની આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના બેટ્સમેનોએ શરૂઆતથી જ આક્રમક રમત દાખવી હતી. બોલ સતત બાઉન્ડ્રી તરફ જતો જોવા મળ્યો હતો. આ મેચમાં હૈદરાબાદની ટીમ દ્વારા કુલ 46 બાઉન્ડ્રી ફટકારવામાં આવી હતી, જેમાં ચોગ્ગા અને છગ્ગાનો સમાવેશ થાય છે. આ આંકડો IPLના ઇતિહાસમાં કોઈપણ મેચની એક ઇનિંગમાં ફટકારવામાં આવેલી સૌથી વધુ બાઉન્ડ્રીનો રેકોર્ડ છે. આ પહેલા આ રેકોર્ડ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નામે હતો, જેણે વર્ષ 2013માં પુણે વોરિયર્સ સામેની મેચમાં પોતાની ઇનિંગમાં કુલ 42 બાઉન્ડ્રી ફટકારી હતી. આમ, SRHએ RCBનો 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
IPL ઇનિંગ્સમાં સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારનારી ટોચની ટીમો આ પ્રમાણે છે:
- સનરાઇઝર્સ હૈદરાબાદ - 46 વિ રાજસ્થાન રોયલ્સ (વર્ષ 2025)
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - 42 વિ પુણે વોરિયર્સ (2013)
- લખનૌ સુપર જાયન્ટ્સ - 41 વિ પંજાબ કિંગ્સ (વર્ષ 2023)
- સનરાઇઝર્સ હૈદરાબાદ - 41 વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (વર્ષ 2024)
આ ઉપરાંત, સનરાઇઝર્સ હૈદરાબાદે આ મેચમાં પાવરપ્લેમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. હૈદરાબાદે પાવરપ્લેમાં એક વિકેટના નુકસાને 94 રન બનાવ્યા હતા અને આ દરમિયાન કુલ 15 ચોગ્ગા ફટકાર્યા હતા. આ મામલે SRHએ દિલ્હી કેપિટલ્સનો રેકોર્ડ તોડ્યો છે, જેણે વર્ષ 2022માં પંજાબ કિંગ્સ સામેની મેચમાં પાવરપ્લે દરમિયાન 14 ચોગ્ગા ફટકાર્યા હતા.
IPLમાં એક મેચમાં પાવરપ્લેમાં સૌથી વધુ ચોગ્ગા મારનાર ટોચની ટીમો આ પ્રમાણે છે:
- સનરાઇઝર્સ હૈદરાબાદ - 15 ચોગ્ગા વિ રાજસ્થાન રોયલ્સ (વર્ષ 2025)
- દિલ્હી કેપિટલ્સ - 14 ચોગ્ગા વિ પંજાબ કિંગ્સ (વર્ષ 2022)
- સનરાઇઝર્સ હૈદરાબાદ - 13 ચોગ્ગા વિ લખનૌ સુપર જાયન્ટ્સ (વર્ષ 2024)
- ચેન્નાઈ સુપર કિંગ્સ - 13 ચોગ્ગા વિ મુંબઈ ઈન્ડિયન્સ (2015)
- દિલ્હી કેપિટલ્સ - 13 ચોગ્ગા વિ સનરાઈઝર્સ હૈદરાબાદ (વર્ષ 2024)
સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સ સામેની આ મેચમાં બે મોટા રેકોર્ડ પોતાના નામે કરીને IPL 2025ની શરૂઆત ખૂબ જ શાનદાર રીતે કરી છે. ટીમના બેટ્સમેનોએ જે આક્રમક રમત દાખવી છે, તેનાથી અન્ય ટીમો માટે પણ એક મોટો પડકાર ઊભો થયો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
