IPL Final: 'મને ક્યારેય લાગ્યુ નહોતું કે આવો દિવસ આવશે...', IPL જીત્યા બાદ ભાવુક કોહલીએ શું શું કહ્યુ?
IPL Final: આ શાનદાર જીત બાદ વિરાટ કોહલી ખૂબ જ ભાવુક દેખાતો હતો. કોહલી એકમાત્ર ખેલાડી છે જે શરૂઆતથી જ RCB સાથે સંકળાયેલો છે.

IPL Final: 17 વર્ષ પછી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સને હરાવીને પહેલી વાર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) નું ટાઇટલ જીત્યું હતું. આ શાનદાર જીત બાદ વિરાટ કોહલી ખૂબ જ ભાવુક દેખાતો હતો. કોહલી એકમાત્ર ખેલાડી છે જે શરૂઆતથી જ RCB સાથે સંકળાયેલો છે. આ જીત બાદ કોહલીની પ્રતિક્રિયા વાયરલ થઈ રહી છે.
𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 𝐎𝐅 #𝐓𝐀𝐓𝐀𝐈𝐏𝐋 𝟐𝟎𝟐𝟓 🏆🤩
— IndianPremierLeague (@IPL) June 3, 2025
The ROYAL CHALLENGERS BENGALURU have done it for the first time ❤#RCBvPBKS | #Final | #TheLastMile | @RCBTweets pic.twitter.com/x4rGdcNavS
જીત બાદ વિરાટ કોહલીએ શું કહ્યું
વિરાટ કોહલીએ કહ્યું હતું કે, 'આ જીત જેટલી અમારી ટીમની છે તેટલી જ અમારા ચાહકો માટે પણ છે. આ 18 વર્ષોની રાહ હતી. મેં મારી યુવાની, મારો શ્રેષ્ઠ સમય આ ટીમને આપ્યો હતો. મેં મારી બધી શક્તિ તેમાં લગાવી દીધી. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આ દિવસ પણ આવશે. છેલ્લો બોલ ફેંકતાની સાથે હું ભાવુક થઈ ગયો.'
કોહલીએ આગળ કહ્યું હતું કે, 'એબી (ડીવિલિયર્સ) એ આ ફ્રેન્ચાઇઝી માટે જે કર્યું છે તે જબરદસ્ત છે. મેં મેચ પહેલા તેને કહ્યું હતું - આ જીત તમારી પણ છે અને હું ઇચ્છતો હતો કે તમે અમારી સાથે ઉજવણી કરો. તે હજુ પણ એવો ખેલાડી છે જેણે આપણા માટે સૌથી વધુ મેન ઓફ ધ મેચ એવોર્ડ જીત્યા છે, ભલે તે ચાર વર્ષ પહેલા નિવૃત્ત થયો હોય. તે આપણી સાથે આ પોડિયમ પર હોવો જોઈએ.'
હું હંમેશા વફાદાર રહ્યો છું
કોહલીએ કહ્યું કે હું હંમેશા આ ટીમ પ્રત્યે વફાદાર રહ્યો છું, ભલે ગમે તે થાય. એવા સમય આવ્યા જ્યારે મેં વિચાર્યું કે હું છોડી દઈશ પરંતુ મેં આ ટીમ છોડી નહીં. મારું દિલ બેંગલુરુ સાથે છે, મારો આત્મા બેંગલુરુ સાથે છે, અને જ્યાં સુધી હું IPL રમીશ, હું આ ટીમ માટે રમીશ. આજે રાત્રે હું શાંતિથી સૂઈશ. મને ખબર નથી કે હું આ રમત કેટલા વર્ષો રમી શકીશ.'
કોહલીએ ભગવાનનો આભાર માન્યો. કોહલીએ કહ્યું હતું કે હરાજી પછી ઘણા લોકોએ અમને પ્રશ્નો પૂછ્યા હતા, પરંતુ બીજા દિવસ સુધીમાં અમને વિશ્વાસ હતો કે આપણી પાસે જે જોઈએ છે તે બધું જ છે.
આ અંતિમ મેચ હતી
RCB એ 17 વર્ષ પછી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) નું ટાઇટલ જીત્યું હતુ. અંતિમ મેચમાં RCB એ પંજાબ કિંગ્સને 6 રનથી હરાવ્યું હતું. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં પંજાબની ટીમે ટોસ જીતીને RCB ને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. બંને ટીમોએ કોઈ ફેરફાર કર્યો નહોતો. RCBની ટીમ પહેલા બેટિંગ કરવા ઉતરી હતી. RCB એ 9 વિકેટ ગુમાવ્યા બાદ 190 રન બનાવ્યા હતા. કોહલીએ 43 રન ફટકાર્યા હતા. જેમિસન અને અર્શદીપે 3-3 વિકેટ લીધી હતી. જવાબમાં પંજાબ કિંગ્સ ફક્ત 184 રન બનાવી શક્યું હતું અને RCB એ ટાઇટલ જીત્યું હતું.




















