BWF World Championships: વર્લ્ડ ચેમ્પિયનશિપની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યો લક્ષ્ય સેન, સ્પેનના ખેલાડીને આપી માત
ભારતના યુવા બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન સ્પેનના લુઈસ પેનાવરને સીધી ગેમમાં હરાવીને વર્લ્ડ ચેમ્પિયનશિપની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે.
BWF World Championships: ભારતના યુવા બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન સ્પેનના લુઈસ પેનાવરને સીધી ગેમમાં હરાવીને વર્લ્ડ ચેમ્પિયનશિપની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. કોમનવેલ્થ ગેમ્સના ચેમ્પિયન લક્ષ્ય સેને 72 મિનિટમાં 21-17, 21-10થી જીત નોંધાવી હતી.
ચેમ્પિયનશિપમાં નવમા ક્રમે ક્રમિત થયેલા લક્ષ્ય સેને આજની મેચમાં એક સમયે 3-4 પોઈન્ટ સાથે પાછળ પડી ગયો હતો. પરંતુ ત્યાર બાદ લક્ષ્ય સેને શાનદાર વાપસી કરીને 6 પોઈન્ટ સાથે 13.7ની લીડ મેળવી હતી. તેણે આ લય ચાલુ રાખી અને પ્રથમ ગેમ જીતી લીધી. લક્ષ્ય સેને તાજેતરમાં બર્મિંગહામ 2022 કોમનવેલ્થ ગેમ્સમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
અશ્વિની પોનપ્પા અને એન સિક્કી રેડ્ડી આઉટ
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ વિજેતા લક્ષ્ય સેને તેના પ્રતિસ્પર્ધીને બીજી ગેમમાં પણ વાપસી કરવાની કોઈ તક આપી ન હતી. અગાઉ, એમઆર અર્જુન અને ધ્રુવ કપિલા પુરુષોની ડબલ્સ કેટેગરીમાં પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા હતા, પરંતુ મહિલા વિભાગમાં અશ્વિની પોનપ્પા અને એન સિક્કી રેડ્ડી બહાર ફેંકાઈ ગઈ હતી.
અર્જુન અને કપિલાની બિનક્રમાંકિત જોડીએ ડેનમાર્કની આઠમી ક્રમાંકિત કિમ એસ્ટ્રોપ અને એન્ડર્સ સ્કારુપ રાસમુસેનને 21-17 અને 21-16થી પરાજય આપ્યો હતો. હવે તેમનો મુકાબલો સિંગાપોરની યોંગ ટેરી અને લોહ કીન હીન સામે થશે.
પોનપ્પા અને સિક્કીને ટોચના ક્રમાંકિત ચેન કિંગ ચેન અને ચીનના જિયા યી ફેને 42 મિનિટમાં 21-15 અને 21-10થી પરાજય આપ્યો હતો. 1પૂજા દાંડુ અને સંજના સંતોષની જોડી પણ ત્રીજી ક્રમાંકિત કોરિયાની લી સો હી અને શિન સેંગ-ચાન સામે હારી ગઈ હતી.
વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપની પ્રિ-ક્વાર્ટરમાં પહોંચી સાયના નેહવાલ
સાયના નેહવાલે મંગળવારે BWF બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેના અભિયાનની શરૂઆત તેના પ્રતિસ્પર્ધીને પ્રથમ રાઉન્ડમાં હરાવીને કરી હતી. ત્યારબાદ સાયનાને જાપાનની છઠ્ઠી ક્રમાંકિત નાઝોમી ઓકુહારા પાસેથી વોકઓવર મળ્યો હતો. નાઝોમી ઈજાને કારણે બહાર થઈ ગઈ હતી. આ કારણ સાયના નેહવાલ મહિલા સિંગલ્સમાં પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી.
જકાર્તામાં 2015ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ અને ગ્લાસગોમાં 2017માં બ્રોન્ઝ જીતનારી 32 વર્ષની સાયનાએ મંગળવારે હોંગકોંગની ચેયુંગ એનગાન યીને 38 મિનિટમાં 21-19, 21-9થી હરાવી હતી. મહિલા ડબલ્સમાં ટ્રેસા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડીએ પણ મલેશિયાની લો યેન યુઆન અને વેલેરી સિઓની જોડીને 37 મિનિટમાં 21-11, 21-13થી પરાજય આપ્યો હતો.