Paris Olympics 2024 Hockey: એક ઓછા ખેલાડી સાથે સેમિફાઇનલમાં રમશે ટીમ ઇન્ડિયા, જર્મની સામે ટક્કર, જાણો કોનું પલડું છે ભારે
Paris Olympics 2024 Semi-Final IND vs GER Head to Head: પેરિસ ઓલિમ્પિક 2024ની હૉકી ઈવેન્ટ માટે ચાર ટીમો ક્વૉલિફાઈ થઈ ગઈ છે. જેમાં ભારત, જર્મની, નેધરલેન્ડ અને સ્પેનનો સમાવેશ થાય છે
Paris Olympics 2024 Semi-Final IND vs GER Head to Head: પેરિસ ઓલિમ્પિક 2024ની હૉકી ઈવેન્ટ માટે ચાર ટીમો ક્વૉલિફાઈ થઈ ગઈ છે. જેમાં ભારત, જર્મની, નેધરલેન્ડ અને સ્પેનનો સમાવેશ થાય છે. રોમાંચક ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતે ગ્રેટ બ્રિટનને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યું. જર્મનીએ આર્જેન્ટિનાને હરાવીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતુ. ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે, પરંતુ ટીમને મોટો ઝટકો પણ લાગ્યો છે, સ્ટાર ખેલાડી રોહિદાસ પર એક મેચનો પ્રતિબંધ લાગ્યો છે. આજે ભારતીય ટીમ સેમિફાઇનલ રમવા મેદાનમાં ઉતરશે.
ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો
વાસ્તવમાં, હૉકી ઈન્ટરનેશનલ ફેડરેશને ભારતીય હૉકી ટીમના સ્ટાર ડિફેન્ડર અમિત રોહિદાસ પર એક મેચનો પ્રતિબંધ લગાવી દીધો છે, ત્યારબાદ તે સેમીફાઈનલ મેચમાંથી બહાર થઈ જશે. મતલબ કે જર્મનીની ટીમ 16 ખેલાડીઓ સાથે મેદાન પર જોવા મળશે, જ્યારે ભારતીય ટીમ આ મેચ 15 ખેલાડીઓ સાથે રમશે.
જાણો ભારત વિરૂદ્ધ જર્મની સેમિફાઇનલ મેચનું શિડ્યૂલ અને ક્યાંથી જોઇ શકાશે લાઇવ
ભારત અને જર્મની વચ્ચે 6 ઓગસ્ટે સેમિફાઇનલ મેચ રમાશે. આ મેચ રાત્રે 10.30 કલાકે રમાશે. તેનું લાઈવ સ્ટ્રીમિંગ JioCinema પર થશે. આ સિવાય સ્પોર્ટ્સ 18 ચેનલ અને ડીડી સ્પોર્ટ્સ પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
ભારત વિરૂદ્ધ જર્મની હેડ ટૂ હેડ રેકોર્ડ
ભારત અને જર્મની વચ્ચે અત્યાર સુધીમાં કુલ 106 મેચ રમાઈ છે. જેમાં જર્મનીનો હાથ ઉપર રહ્યો છે. આ 106 મેચોમાં ભારતે 26 મેચ જીતી છે જ્યારે જર્મનીએ 53 મેચ જીતી છે. જેમાંથી 27 મેચ ડ્રો રહી હતી.
ભારત વિરૂદ્ધ જર્મનીની છેલ્લી પાંચ મેચ
છેલ્લી પાંચ મેચમાં ભારતનો દબદબો રહ્યો છે. ભારતે ચાર મેચ જીતી છે જ્યારે જર્મનીએ એક મેચ જીતી છે.
ભારત વિરૂદ્ધ જર્મની ઓલિમ્પિક
ઓલિમ્પિકમાં બંને વચ્ચે 12 મેચ રમાઈ છે. આ 12 મેચોમાંથી ભારતે પાંચ મેચ જીતી છે. જ્યારે જર્મનીએ ચાર મેચ જીતી છે. જેમાંથી ત્રણ મેચ ડ્રૉ રહી હતી.
ભારત વિરૂદ્ધ જર્મની ઓલિમ્પિક હૉકી વર્લ્ડકપ
હૉકી વર્લ્ડ કપમાં ભારત અને જર્મની વચ્ચે આઠ મેચ રમાઈ છે. જેમાં ભારત માત્ર બે મેચ જીત્યું છે. જ્યારે જર્મનીએ ચાર મેચ જીતી છે. જેમાં બે મેચ ડ્રો રહી હતી.
ભારત વિરૂદ્ધ જર્મની ચેમ્પિયનશીપ ટ્રૉફી
ચેમ્પિયનશિપ ટ્રૉફીમાં બંને ટીમો 16 વખત આમને સામને આવી ચૂકી છે. ભારતે ચાર મેચ જીતી છે, જ્યારે જર્મનીએ 9 મેચ જીતી છે. જેમાંથી ત્રણ મેચ ડ્રૉ રહી હતી.
ભારત વિરૂદ્ધ જર્મની હૉકી પ્રૉ લીગ
હૉકી પ્રૉ લીગમાં ભારત અને જર્મની વચ્ચે અત્યાર સુધીમાં પાંચ મેચ રમાઈ છે. આમાં ભારતનો હાથ ઉપર રહ્યો છે. ભારતે ચાર મેચ જીતી છે જ્યારે જર્મનીએ માત્ર એક મેચ જીતી છે.