Coronavirus: સચિન-ગાંગુલીની અપીલ, Lockdown માનો અને કોરોનાને હરાવો
દેશમાં કોરોનાનો પ્રકોપ દિવસે દિવસે વધી રહ્યો છે. વાયરસના કારણે દેશમાં 21 દિવસ માટે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીએ કોરોના સામે લડવા લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દેશમાં 21 દિવસ માટે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કોરોના વાયરસ સામે લડવા લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પણ કોરોના સામે લડવા લોકોને લોકોડાઉન દરમિયાન ઘરમાં રહેવા અપીલ કરી હતી.
સચિન તેંડુલકરે ટ્વિટ કરીને લખ્યું, સરળ ચીજો હંમેશા મુશ્કેલ હોય છે. કારણકે સતત અનુશાસન અને સંકલ્પ જ જરૂરિયાત હોય છે. પીએમ નરેન્દ્ર મોદીએ આપણને 21 દિવસ માટે ઘરમાં રહેવા કહ્યું છે. આ સરળ કામ લાખો લોકોનો જીવ બચાવી શકે છે. આવો કોવિડ-19 સામેના આ યુદ્ધમાં બધા એક થઈએ.
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ટ્વિટર પર 45 સેકન્ડનો વીડિયો પોસ્ટ કર્યો ચે. જેમાં તેણે કહ્યું, મારા દેશવાસીઓ અને દુનિયાના નાગરિકો. આપણી જિંદગી માટે આ પડકારજનક સમય છે પરંતુ આપણે તેની સામે લડીશું. સરકાર શું કહે છે તે સાંભળો, સ્વાસ્થ્ય વિભાગનું સાંભળો, કેન્દ્ર સરકારના દિશા-નિર્દેશોનું પાલન કરો અને ઘરમાં સુરક્ષિત રહો. સમજદાર બનો.
દેશભરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. હાલ દેશમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા 570ને પાર કરી ગઈ છે અને 11 લોકોના મોત થયા છે. જ્યારે 46 લોકો સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે.