Hun To Bolish : હું તો બોલીશ : કરંટ લાગવાનું નક્કી !
ઉત્તર ગુજરાત વીજ કંપનીની લાપરવાહી નાગરિકો માટે ખતરારૂપ સાબિત થઈ શકે તેવી સ્થિતિ છે.. દ્રશ્યો બહુચરાજી હારિજ રોડના છે.. અહીં પણ આપ જોઈ શકો છો, વીજ ટ્રાંસફર આખાને આખા બાવળની ઝાડીથી ઢંકાઈ ગયા છે. UGVCLની ઓફિસની બાજુમાં જ આવી સ્થિતિ છે. બહુચરાજી હારિજ રોડ પરના વીજપોલ પર તો વેલા એવી રીતે ઉગી ગયા છે કે દૂરથી તો તમને કોઈ લીલું વૃક્ષ હોય તેવું લાગે.. સાપાવાડ ગામના મુખ્ય રોડ પર તો ઘોર બેદરકારી સામે આવી. 11 હજાર વોલ્ટના વીજ વાયરો જમીનને અડી રહ્યા છે. રહેણાંક વિસ્તારમાં આવેલા વીજ ટ્રાંસફોર્મરની અંદર આકડા ઉગી ગયા છે. અહીં કોઈ પણ પ્રકારની પ્રિમોન્સુનની કામગીરી UGVCLએ કરી હોય તેવું દેખાઈ નથી રહ્યું.
સુરત જિલ્લામાં ચોમાસું આવે ને ગ્રામ્ય વિસ્તારમાં વીજળી ડૂલ થવાની સમસ્યા ચાલુ થઈ જાય છે. જેની પાછળનું આ જ કારણ છે કે, પ્રિમોન્સૂનની કામગીરી યોગ્યરીતે કરવામાં નથી આવતી. વીજ પોલના ટોચ સુધી જંગલી વનસ્પતિ જોવા મળે છે પણ કોઈ કામગીરી નથી કરવામાં આવતી. ક્યાંક તો આખે આખું વીજ ટ્રાન્સફોર્મર ઝાડી ઝાંખરામાં ગાયબ થઈ ગયું હોય છે પણ આપણા વિજ વિભાગના અધિકારીઓને આ દેખાતું નથી. વાયરને અડતા વૃક્ષોને ટ્રીમ કરવામાં નથી આવતા. જેના કારણે ભારે પવન સાથે વરસાદ પડ્યો નથી કે વીજળી ડુલ થવાની સમસ્યા ઉભી થઈ નથી. એટલું જ નહીં જીવતા વીજ વાયરો જમીન પર પડવાના કારણે અનેક વખત લોકોને અને પશુઓને કરંટ લાગવાના કિસ્સા પણ સામે આવે છે છતાં પણ શીખ નથી લેવાતી.
તો આવી જ સ્થિતિ સુરત શહેરમાં છે.. કાપડિયા હેલ્થ ક્લબ રોડ પર મહાકાય વૃક્ષોની ડાળીઓ નમેલી છે.. તો નવી સિવિલ હોસ્પિટલ રોડ પર દિવસભર હજારો ચાલકો અહીંયાથી અવર-જવર કરે છે. પરંતુ ચોમાસું માથે હોવા છતાં પ્રશાસને મહાકાય વૃક્ષોનું ટ્રિમિંગ ન કરતા ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ શકે છે. તો મજુરા વિસ્તારમાં પણ પ્રિ-મોનસૂન કામગીરી માત્ર કાગળ પર હોય તેવો ઘાટ છે. અહીંયાના રોડ પર ઘટાદાર વૃક્ષો આવેલા છે. જેની ડાળીઓ નમેલી છે.. ત્યારે સવાલ એ છે.. જો ચોમાસામાં વૃક્ષો ધરાશાયી થશે અને દુર્ઘટના થશે તો જવાબદાર કોણ?





















