Hun To Bolish : હું તો બોલીશ : ડિગ્રી છે નોકરી ક્યાં?
દાહોદમાં બેરોજગારોની ઉમટી ભીડ. દાહોદ શહેરમાં જર્મનીની સિમેન્સ કંપની રેલ એન્જિન બનાવી રહી છે...અહીં નોકરી માટે 7 જુલાઈએ બાયોડેટા જમા કરાવવાનો મેસેજ વાયરલ થયો. અને આ મેસેજ વાયરલ થતા જ સાડા 4 હજાર જેટલા બેરોજગાર યુવક-યુવતીઓ ભેગા થયા. જેને લઈને RPF અને પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો. તમામને સાત રસ્તા પાસે રામલીલા મેદાનમાં જવાની વિનંતી કરાતા સૌ ત્યાં પહોંચ્યા. જ્યાં અઢી હજાર યુવાઓના બાયોડેટા મેળવાયા. કંપની તરફથી કહેવાયું કે, જ્યારે ભરતી કરીશું ત્યારે સૌ પ્રથમ બાયોડેટામાંથી લાયકાત પ્રમાણે કોલ કરીશું. આ ઘટનાને લઈ કૉંગ્રેસે ગુજરાતમાં બેરોજગારીને લઈ સરકાર પર ઉઠાવ્યા સવાલ.
5 જુલાઈથી રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે બેગ લેસ ડેની જાહેરાત કરાય છે. દર શનિવારે બાળકોને અભ્યાસ સિવાય ઈત્તર પ્રવૃતિ જેવી કે વ્યાયામ, યોગા, સંગીત અને ચિત્ર વગેરે પ્રવૃતિ કરાવવાનું નક્કી કરાયુ છે.. ત્યારે આજે ચિત્ર, સંગીત, વ્યાયામ અને કોમ્પ્યૂટરના શિક્ષકની ડિગ્રી મેળવનારા ઉમેદવારોએ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું. આ વિષયના શિક્ષકોની વર્ષોથી ભરતી જ ન કરાતા મોટા પ્રમાણમાં જગ્યા ખાલી છે. એવામાં આ ચાર વિષયમાં ડિગ્રી મેળવનારા 9 હજારથી વધુ ઉમેદવારો બેરોજગાર બન્યા છે. ગાંધીનગરમાં ઉમેદવારોએ ચીમકી ઉચ્ચારી કે, જો સરકાર કાયમી ભરતી નહીં કરે તો આંદોલન કરાશે. વર્ષ 2009 પછી પ્રાથમિક શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી બંધ છે. દાવો છે કે, સંગીત શિક્ષકના રાજ્યમાં 3000 ઉમેદવારો બેરોજગાર છે. ચિત્ર શિક્ષક માટેના 3500 ઉમેદવાર રાજ્યમાં બેરોજગાર છે. વ્યાયામ શિક્ષક માટેના 2500થી વધુ ઉમેદવાર બેરોજગાર છે.




















