Hun To Bolish | હું તો બોલીશ | રાજ્યમાં ગુંડાઓ બેફામ
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. દિન દહાડે લૂંટ, ચોરી, મારામારી, દુષ્કર્મ, હત્યા સહિતની ઘટનાઓ બની રહી છે. તહેવારો નજીક ત્યારે છે તોફાની તત્વોને તો જાણે કોઈ કાયદાનો જ ડર ન હોય તેમ ક્યારેક પોલીસ મથક નજીક તો ક્યારેક પોલીસ વાનની સામે તો ક્યાંક સોસાયટીઓમાં જઈને આતંક મચાવી રહ્યા છે. દરેક વખતે પોલીસ કડક કાર્યવાહીના દાવાઓ તો કરે છે પણ આવી ઘટનાઓ તો બનતી જ રહે છે. અમદાવાદ અને સુરતના આ દ્રશ્યો તેની પ્રતિતિ કરાવે છે કે રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કેટલી હદે કથળી છે. અમદાવાદના વાડજ અને અમરાઈવાડીમાં તોફાની તત્વોએ સરાજાહેર ઉત્પાત મચાવ્યો. આ તરફ સુરતના પુણામાં પણ ઉત્પાતીયાઓએ આતંક મચાવ્યો.
અમદાવાદના નવા વાડજમાં અસામાજિક તત્વોનો આતંક. 18 ઓક્ટોબરની રાતે રામ કોલોનીમાં માથાભારે શખ્સોએ તરખાટ મચાવ્યો. એક મહિના પહેલા થયેલી અદાવતને ધ્યાનમાં રાખીને ધોકા, લાકડી અને તલવાર જેવા હથિયારો સાથે ટોળુ સોસાયટીમાં ઘસી આવ્યું અને વાહનોમાં તોડફોડ કરી. તોફાની ટોળાએ સોસાયટીને બાનમાં લેતા રહીશોમાં ફફડાટ ફેલાયો. કનુ ભરવાડ નામના શખ્સે એક મહિના પહેલા લક્કી સરદાર સહિત ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને થોડા દિવસ પહેલા બંને વચ્ચે બબાલ થઈ હતી. જેમાં કેનુ ભરવાડને ઢોર માર મરાયો હતો. કનુ ભરવાડ પર થયેલા હુમલાનો બદલો લેવા શુક્રવારની રાત્રે ટોળું રામ કોલોનીમાં ઘસી આવ્યું અને 20થી વધુ વાહનોમાં હથિયારો સાથે તોડફોડ કરી. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી આવી, જોકે કનુ ભરવાડ સહિતના લોકો ફરાર થઈ ગયા. હાલ તો પોલીસે બે આરોપીની ધરપકડ કરી. જ્યારે અન્યોની શોધખોળ ચાલી રહી છે. તો આ તરફ અમદાવાદના અમરાઈવાડીમાં પણ અસામાજિક તત્વોના આતંક સામે આવ્યો. મંજીભિલની ચાલીમાં ગુનેગારોએ ઉત્પાત મચાવ્યો. રેતી મૂકવા જેવી નજીક બાબતે મારામારી થઈ. અને સામાજિક તત્વોએ વાહનમાં તોડફોડ કરી. જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો. જો કે અમરાઈવાડી પોલીસે સીસીટીવીના આધારે કેસની તપાસ શરૂ કરી. એક આરોપી ભુપેન્દ્રસિંહ રાજપૂત ઝડપાયો. અન્ય આરોપીઓને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.





















