Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
સુરતના સિંગણપોરમાં આવેલા નક્ષત્ર સેફ હાઉસમાંથી ગ્રાહકોના 2.67 કરોડના 206 તોલા સોનાના દાગીના ચોરી થયાના અહેવાલો વહેતા થતાં જ આખા શહેરમાં ખળભળાટ મચી ગયો છે. સિંગણપોર ઉપરાંત વરાછા ખાતે આવેલી નક્ષત્ર સેફની શાખાઓમાં પણ પોતાના કિંમતી ઘરેણાં અને રોકડ સુરક્ષિત છે કે નહીં તે ચકાસવા માટે બિલ્ડરો સહિત સેંકડો લોકરધારકો દોડી ગયા હતા. નક્ષત્ર સેફ હાઉસની સુરતમાં 3 બ્રાન્ચ છે, જેમાં 2500થી વધુ લોકર ઉપલબ્ધ છે.
પોલીસ દફતરે નોંધાયેલી વિગત મુજબ, ફરિયાદી રમેશભાઈ વાઘાણીએ વર્ષ 2020માં પોતાની પત્નીના નામે સિંગણપોર કોઝવે રોડ પર આવેલા નક્ષત્ર સેફ વોલ્ટમાં લોકર લીધું હતું. ગત 8 મેના રોજ તેમના સગા લોકર પર ગયા ત્યારે તમામ દાગીના સુરક્ષિત હતા, પરંતુ બે મહિના બાદ પ્રસંગ હોવાથી દાગીના કાઢવા ગયા ત્યારે લોકરમાંથી 63 તોલા સોનાના દાગીના ગાયબ હોવાનું જણાયું હતું. જ્યારે આ અંગે પરિવારજનોએ 14 જુલાઈએ CCTV ફૂટેજ ચકાસવાની માગ કરી, ત્યારે આરોપી હર્ષ દિયોરા ઉશ્કેરાઈ ગયો હતો અને ધમકી આપતાં કહ્યું હતું કે, "બધું ગરમ થઈ ગયું છે, બધું ઉડી જશે!" ત્યારબાદ તેણે CCTV બતાવવાનું બંધ કરી દીધું અને ડેટા ડિલીટ થઈ ગયાના ઉડાઉ જવાબો આપ્યા હતા.
સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે સેફ હાઉસના માલિક મહેશ દિયોરા, તેમનો પુત્ર હર્ષ દિયોરા અને હરીકૃષ્ણ દિયોરા સહિત લોકર બ્રેકર મણીલાલ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2), 316(5) તેમજ પૂર્વઆયોજિત કાવતરાની કલમ 61(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન પોલીસે સેફ વોલ્ટમાંથી DVR, ડિજિટલ રજિસ્ટર તેમજ લોકર તોડવામાં ઉપયોગમાં લેવાયેલા સાધનો કબજે કરવાની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ વરાછા સહિત નક્ષત્ર સેફ હાઉસની અન્ય શાખાઓમાં પણ આવી જ રીતે લોકરો સાથે છેડછાડ અથવા ચોરી થઈ છે કે નહીં તે અંગે વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.
આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, પુત્રને શેરબજારમાં નુકસાન જતા લોકરમાંથી ચોરીનો પ્લાન ઘડ્યો હતો. છેલ્લા એક વર્ષથી આરોપીઓ લોકરમાંથી જરૂરિયાત પ્રમાણે દાગીના નીકાળતા હતા. આ ચારેય આરોપીએ એકબીજાની મદદગારીથી યોજના બનાવીને ગ્રાહકોની ગેરહાજરીમાં અને તેમની જાણ બહાર અલગ અલગ સમયે લોકરો તોડાવ્યા હતા. લોકરમાંથી કિંમતી સોનાના દાગીના કાઢીને તેને બજારમાં વેચી મારી રકમ પડાવી લેવાનો આખો પ્લાન ઘડ્યો હતો.






















