Hun To Bolish : હું તો બોલીશ : મગફળીના ખેડૂત માથે આફત?
પાછોતરા વરસાદે ખેડૂતોના પાકને ભારે નુકસાન કર્યું છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લા છે કે, જેના કેટલાક તાલુકાઓમાં પાછોતરે પડેલા અતિભારે વરસાદે ખેડૂતોના પાકને બરબાદ કરી નાખ્યા. ખેડૂતોએ ખેતરમાં કાઢેલ તૈયાર મગફળીના પાથરા પલળી ગયા. સતત પડેલા વરસાદના કારણે મગફળીના પાથરામાં ફૂગ ચઢી ગઈ. દાણા પણ ફરીથી ઉગી નીકળ્યા છે...અમરેલી, રાજકોટ, ગીરસોમનાથ, જુનાગઢ, સુરેન્દ્રનગર પંથકમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર થયું છે. અને સૌરાષ્ટ્રના ખેડૂતો પોતાની વ્યથા ઠાલવતા કહી રહ્યા છે કે, તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવવામાં આવે. અને માર્કેટયાર્ડમાં યોગ્ય ભાવ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે. મગફળીમાં ફૂગ નીકળતા હવે બજારમાં મગફળીના 500થી 700 રૂપિયા પણ ઉપજે તેમ ન હોવાથી દિવાળીના તહેવારમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ ખેડૂતોની માઠી દશા બેઠી છે. જુનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મરે નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને સત્વરે સહાય ચુકવવાની સરકારને રજૂઆત કરી. કેટલાક ગામોમાં મગફળીનો પાક સંપૂર્ણપણે નષ્ટ થયો છે તો કેટલાક ગામોમાં મગફળીના પાથરા એ હદે પલળ્યા છે કે, વેચવા લાયક નથી રહ્યા. મોંઘા ભાવના ખાતર, બિયારણનો ખર્ચ પણ ખેડૂતોને માથે પડ્યો છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં પણ સોમવારે પડેલા વરસાદથી હિંમતનગર પંથકના ગામડાઓમાં તૈયાર મગફળીનો પાક પલળી ગયો. એટલું જ નહીં હિંમતનગર માર્કેટ યાર્ડમાં રાખલે મગફળીનો જથ્થો પલળતા ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે.





















