Hun To Bolish : હું તો બોલીશ : મનરેગામાં મગરમચ્છ કોણ?
ભરૂચના 58 ગામોમાં મનરેગાના કામોમાં 7 કરોડ, 30 લાખનું કૌભાંડ થયાનો આરોપ લાગ્યો છે. જેમાં ગીર સોમનાથ જિલ્લાના પિયુષ ઉકાળીની એજન્સી જલારામ એન્ટરપ્રાઈઝ અને જોધા સભાડની એજન્સી મુરલીધર એન્ટરપ્રાઈઝ સામે ફરિયાદ નોંધાઈ છે. આ બંને એજન્સી સામે આરોપ છે કે, ત્રણ તાલુકાના 11 ગામોમાં રોડ રસ્તાના કામમાં વધુ મટિરિયલ બતાવી સરકારના રૂપિયા ખંખેરવાનો. જલારામ એન્ટરપ્રાઈઝે 6 લાખ 58 હજાર રૂપિયા જ્યારે મુરલીધર એન્ટરપ્રાઈઝે 13 લાખથી વધુ રૂપિયા ખોટા બિલ બનાવીને પડાવી લીધા. એટલું જ નહીં, બંને એજન્સીઓએ યાંત્રિક મશીનરીથી રોડ રસ્તાના કામો કર્યા. જેમાં શ્રમયોગીઓને રોજગારી ન મળી. જો કે, આ મુદ્દે હવે પોલીસ તપાસ તેજ થઈ છે. પોલીસે કૌભાંડની તપાસ માટે સ્પેશિયલ ટીમ બનાવી છે. જેમાં ત્રણ અધિકારી અને 6 પોલીસ કર્મીનો સમાવેશ છે. મનરેગા કૌભાંડને લઈ સાંસદ મનસુખ વસાવાએ પણ સવાલ ઉઠાવ્યા... મનસુખ વસાવાએ કહ્યું કે, કામોની બે-ત્રણ વર્ષ પછી તપાસ થાય તે અયોગ્ય છે... સરકારે મનરેગા જેવી યોજનાઓની સફળતા માટે સિસ્ટમમાં સુધારો કરવો જોઈએ.. 2 દિવસ પહેલાં પોલીસે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિતની કચેરીઓમાં તપાસ કરી કૌભાંડમાં દર્શાવાયેલ તમામ કામોના દસ્તાવેજ કબજે કર્યા હતા.





















