Hun To Bolish : હું તો બોલીશ : ઑપરેશન ગંગાજળ
Hun To Bolish : હું તો બોલીશ : ઑપરેશન ગંગાજળ
ગુજરાત સરકારે ભ્રષ્ટ અધિકારીઓ સામે એક ઓપરેશન શરુ કર્યું છે, જેને નામ અપાયું છે ઓપરેશન ગંગાજળ... ભ્રષ્ટ અધિકારીઓને સેવામાંથી હટાવવા સરકાર આકરા પગલા લઈ રહી છે. અત્યાર સુધીમાં 25થી વધુ અધિકારીઓને આ ઓપરેશન હેઠળ ઘરભેગા કરી દેવાયા છે. દાદાની સરકારે સરકારી સિસ્ટમમાં લાગેલી ઉધઈ રૂપી અધિકારીઓને દૂર કરવા અભિયાન હાથ ધર્યું છે. સત્તાનો લાભ ઉઠાવી ભ્રષ્ટાચાર આચરતા અધિકારીઓને હવે પ્રિમોચ્યર રીટાયરમેન્ટનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર આવા અધિકારી કે કર્મચારીઓને સમય પહેલા જ ફરજિયાત નિવૃતિ આપી રહી છે. હોદ્દાનો ગેરલાભ ઉઠાવી અનેક પ્રકારે ગેરીતિ આચરતા આવા અધિકારી અને કર્મચારીઓનું એક લીસ્ટ પણ તૈયાર હોવાનું કહેવાઈ રહ્યું છે જેનો આંકડો પાંચ દસ નહીં પરંતુ 100 સુધી પહોંચ્યો છે. ભૂપેન્દ્રભાઈની સરકારે દિવાળી પહેલા અને બાદ પણ અનેક મોટા અધિકારીઓને ઘરભેગા કર્યા છે જેમાં સરદાર સરોવર નર્મદા નિગમ- SSNLમાં ડેપ્યુટેશન પર રહેલા વર્ગ-1 કાર્યપાલક ઇજનેર, મહેસૂલ વિભાગના સુપ્રિટેડન્ટ લેન્ડ રેકર્ડ-SLR, સુરત I.T.Iના ક્લાસ-1 અધિકારી પ્રિન્સિપાલ, ભિલોડા I.T.Iમાં ક્લાસ-1 અધિકારીનો સમાવેશ થાય છે.
હવે સરકારે આવું કરવાની કેમ ફરજ પડી તે સમજીએ.... ગુજરાત સરકારના જ વિજિલન્સ કમિશને રાજ્યના 8378 અધિકારી કર્મચારીઓ સામે થયેલી ફરિયાદમાં પગલા ભરવા ભલામણ કરી હતી. પરંતુ જે તે વિભાગે આ ભલામણ અભેરાઈ પર ચડાવી દીધી.. આ વાત ઠેઠ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સુધી પહોંચી... આ દરમિયાન રાજ્યમાં અનેક કાંડ પણ થયા.. મોરબી ઝુલતો પુલ દુર્ઘટના, વડોદરાના હરણીકાંડ,, રાજકોટનો અગ્નિકાંડ.. ... ભ્રષ્ટ વલણ ધરાવતા અધિકારીઓ સામે સરકારને પગલા લેવાની જરૂર દેખાઈ અને શરૂ થયું ઓપરેશન ગંગાજળ...
વિજિલન્સ કમિશનની ફરિયાદ પણ ઘોળીને પી જાય છે અધિકારીઓ
સામાન્ય રીતે સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ સામેની ફરિયાદ, આક્ષેપો અને ગુજરાત તકેદારી આયોગ(વિજિલન્સ કમિશન) દ્વારા કામગીરી કરવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તકેદારી આયોગ ની ભલામણો, સૂચનો ને પણ જે તે વિભાગના અધિકારીઓ ઘોળી ને પી જતા હતા,પરિણામે ફરિયાદો નો કોઈ નિકાલ જ થતો નહતો, આ મામલે સરકારે પણ ગંભીરતા દાખવી હતી, તકેદારી આયોગ ના કેસો ને નિકાલ કરવા ની સાથે પગલાં ભરવાની શરૂઆત કરતા જે તે વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ફફડી ગયા હતા.એટલું જ નહીં 2133 કેસ તો 10 વર્ષ કરતા પણ વધુ સમયથી પડતર છે.
ભ્રષ્ટાચાર સામે ભુપેન્દ્ર પટેલ સરકારે શરૂ કરેલી લડાઈ ના ભાગ રૂપે આવા અધિકારીઓ ને ફરજીયાત ઘરભેગા કરવા લાગ્યા છે, જેમાં છેલ્લા ત્રણ મહિનામાં જ 11 અધિકારી ને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા.