Hun To Bolish : હું તો બોલીશ : રેસના રાક્ષસ પર બ્રેક ક્યારે?
અમદાવાદમાં તથ્યકાંડ બાદ સામે આવ્યો રોહન કાંડ. જુઓ આ સીસીટીવી દ્રશ્યો. રેસના રાક્ષસોને જોઈલો. આ જ રાક્ષસોએ બે નિર્દોષ યુવકના ભોગ લીધા. જમાલપુરના રહેવાસી અશફાક અજમેરી અને અકરમ કુરેશી બંને રાત્રીના દોઢ વાગ્યે એક્ટિવા પર નહેરૂનગરથી શિવરંજની તરફ જઈ રહ્યા હતાં. ત્યારે જ બેફામ નબીરો GJ27DM9702 નંબરની બ્રેઝા કારને લઈ ધસી આવ્યો. રફતારના રાક્ષસે બંને મિત્રોના એક્ટિવાને એવી તો ટક્કર મારી કે બંને યુવક ફંગોળાઈને સીધા BRTS ટ્રેકમાં ઘૂસી ગયા. એ હદે કારની ટક્કર લાગી કે અકરમ કુરેશીનું ઘટનાસ્થળે જ મોત થયું. જ્યારે અશફાકનું ટૂંકી સારવાર બાદ મોત થયું. ઘટના બાદ રેસનો રાક્ષસ રોહન કાર ત્યાં જ મૂકીને ફરાર થયો. એબીપી અસ્મિતાએ તપાસ કરી તો ખૂલ્યું કે કારની માલિકી નિમિશા પરેશ સોનીની છે અને ચાલક તેનો પુત્ર છે. ઉંડાણપૂર્વક તપાસ કરી તો એ પણ સામે આવ્યું કે કારના 6 મેમો બાકી હતાં. છ પૈકી બે મેમો તો ઓવરસ્પીડના છે. આ મેમો સાબિતી આપે છે કે બે- બે નિર્દોષોને કચડનારો રોહન રેસિંગનો શોખીન છે. બે નિર્દોષના જીવ લેનારા રોહનને પોલીસ સમક્ષ પરિવારે રજૂ કરી દીધો.. પ્રાથમિક પૂછપરછ બાદ પોલીસે મીડિયા સમક્ષ કહ્યું કે રોહન અને તેના મિત્રો સ્ત્રી મિત્રને ત્યાં બર્થ ડે પાર્ટીમાં ગયા હતા. જ્યાંથી આ નબીરાઓ પરત ફરતી વખતે બેફામ બન્યા. થાર કાર રોહનનો મિત્ર દક્ષ ચલાવતો હતો. જ્યારે વોક્સવેગન વેરીટસ કાર ભવ્ય ચલાવતો હતો. ત્રણેય મિત્ર પોતાની કારની રેસ કરીને શિવરંજની ફૂડ માર્કેટ જમવા જતા હતા. રોહન સિલ્વર ઓક યુનિવર્સિટીમાં BBAના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે.. પરિવારમાં એક નાની બહેન છે. પિતા પરેશભાઈ સોની સોના-ચાંદીની દુકાન ધરાવે છે..





















