Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?
ગુજરાત ભાજપમાં સંગઠન પર્વ સમાપન થયા બાદ, હવે મંડલ-શહેર, જિલ્લા અને તાલુકા પ્રમુખની નિમણુકો કરવામાં આવી રહી છે. ત્યારે કેટલીક જગ્યાએ પ્રમુખોની નિમણૂકો સામે નારાજગી વ્યક્ત થઈ છે. આવો જ વિરોધ થયો છે નર્મદા જિલ્લામાં.
"ઝઘડિયા તાલુકામાં ભાજપના પ્રમુખ તરીકે સંદીપ પટેલની નિયુક્તી કરી, જેનો હું સખત વિરોધ કરુ છું". આ નારાજગી દર્શાવી ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં ભડાસ ઠાલવી કે, સંદીપ પટેલ ક્યારેય ગામની બહાર નીકળ્યા નથી. ભાજપનું કામ કર્યું નથી. લોકસભાની ચૂંટણીમાં પણ પક્ષ અને મારા વિરુદ્ધ કામ ક્યું છે. તેઓ માત્ર ધંધાકિય વ્યક્તિઓ સાથે જોડાયેલા છે. તેઓ મૂળ પટેલ જ્ઞાતિના નથી. ઝઘડિયામાં બહુમતી ધરાવતા આદિવાસી, રાજપૂત અને પટેલ જ્ઞાતિમાંથી કોઈને પણ પ્રમુખ બનાવી શકાયા હોત. તાલુકા અને જિલ્લા સંગઠનમાં જે વર્ષોથી સખત મહેનત કરી રહ્યા છે તેઓની અવગણના કરવામાં આવી છે. સંદીપ પટેલ પર એટ્રોસિટી એક્ટનો ગુન્હો પણ નોંધાયો છે. આદિવાસીઓની સાથે કેવી રીતે ન્યાય થશે.
ઝઘડિયા બાદ આણંદના ઉમરેઠમાં તાલુકા-શહેર પ્રમુખની નિમણૂંકને લઈને વિરોધનો સૂર ઉઠ્યો છે. ઉમરેઠમાં હાર્દિક પટેલની નિમણૂંકથી ધારાસભ્ય ગોવિંદ પરમાર નારાજ છે. ધારાસભ્ય ગોવિંદ પરમારે સંગઠન મહામંત્રી રત્નાકરને લખ્યો પત્ર. જેમાં સંગઠનના નિયમો નેવે મૂકી નિમણૂંક કરાયાનો ગોંવિદ પરમારે આરોપ લગાવ્યો છે. હાર્દિક પટેલના પિતા ખરીદ વેચાણ સંઘમાં ડિરેકટર છે.