Hun to Bolish | હું તો બોલીશ | અંધશ્રદ્ધા પર ચાલશે કાયદાનો જાદુ!
અંધશ્રધ્ધા....કાળો જાદુ....અઘોરી અને અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકાર આગામી વિધાનસભા સત્રમાં ખરડો પસાર કરશે. વિશેષ કાયદો લાવવા માટે સરકારની તૈયારી હોવાની હાઇકોર્ટમાં ગૃહ વિભાગે જાણકારી આપી. અરજદારનું કહેવું હતું કે, ગુજરાતમાં અંધશ્રદ્ધાના નિર્મૂલન માટે કાયદો બનાવવા કોર્ટ સરકારને નિર્દેશ આપે. આ વિષય બંધારણની સહવર્તી યાદીમાં આવેલો છે. જેથી રાજ્ય તેની ઉપર કાયદો બનાવી શકે છે. આ માટે અરજદારે કોર્ટ સમક્ષ ગુજરાતમાં બનેલા 30 બનાવો પણ મૂક્યા. રાજકોટના જસદણના ખેડૂત દંપતીનો કિસ્સો પણ ટાંકવામાં આવ્યો. ગુજરાતના કેટલાક બનાવોમાં એક 2 વર્ષની બાળકીને ગરમ સળિયાથી ડામ આપતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. બીજા એક કેસમાં એક વ્યક્તિને કંકુ વાળું પાણી પીવા ફરજ પાડવામાં આવી હતી. અન્ય એક કેસમાં એક દિવ્યાંગ વ્યક્તિને ફક્ત માથું જ જમીનની બહાર રહે તેમ દાટી દેવામાં આવ્યો હતો. એક ખેડૂત દંપતીએ અંધશ્રદ્ધામાં દેહત્યાગ કર્યો હતો. એક સગીરા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું. આમ અંધશ્રદ્ધાનો સૌથી વધુ ભોગ મહિલાઓ અને બાળકો બનતા હોવાનું અરજદારે કોર્ટ સમક્ષ રજૂઆત કરી છે. આ અરજી સંદર્ભે હાઇકોર્ટે સરકારને જણાવ્યું કે, રાજ્ય એક વેલ્ફેર સ્ટેટ છે. અંધશ્રદ્ધા રોકવાની રાજ્યની જવાબદારી છે. જેથી અંધશ્રદ્ધા રોકવા રાજ્યએ શું પગલાં લીધા છે તે અંગે રાજ્યના ગૃહ વિભાગના સક્ષમ અધિકારી એફિડેવિટ ફાઇલ કરશે. આવા કૃત્યોથી માનવ હકો અને બંધારણીય હકોનું હનન થાય છે. કોર્ટે આ કેસમાં રાજ્યના ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીને પક્ષકાર બનાવવા નિર્દેશ આપ્યા હતા. ઉપરોક્ત આદેશના સંદર્ભે ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરી અને અંડર સેક્રેટરીએ હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યો કે આવનારા વિધાનસભા સત્રમાં ગુજરાત રાજયમાંથી કાળો જાદુ, અઘોરી પ્રવૃત્તિ અને અમાનવીય પ્રવૃત્તિઓ જેવા દૂષણો દૂર કરવા ખરડો લાવવામાં આવશે.