Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
દીકરા દીકરીઓ વચ્ચે ભેદ રાખવાની વૃત્તિ વચ્ચે આપણે ત્યાં દીકરાની તુલનામાં દીકરીઓની કમી તો હતી જ. આ તમામની વચ્ચે દીકરીઓની લગ્ન કરી ગામમાં નહીં રહેવાની કેળવાતી માનસિકતાના કારણે પહેલા ગામડાઓ ઉજ્જડ બન્યા. હવે તો હાલત એ છે કે, નાના શહેરોમાં પણ લગ્ન કરી આપણી દીકરીઓ ઠરીઠામ થવા માંગતી નથી અને આ તથ્ય અને સત્ય અમરેલીના તબીબ અને ભાજપના પૂર્વ પ્રમુખ ડૉ. ભરત કાનાબારે પોસ્ટથી ઉજાગર કર્યું.
પોસ્ટમાં કાનાબારે તેમના સંબંધીના ઉદાહરણને ઉદ્દેશીને લખ્યું છે કે, મારા એક સંબંધી મને મળવા આવ્યા કે મારી દુકાન વેચવાની છે. કેમ કે, હવે મારે રાજકોટ શિફ્ટ થવું છે. એમની દુકાન પણ સારી ચાલે છે અને અમરેલી તેમના બાપ-દાદાના વખતથી વતન છે. પણ આમ છતાં એમણે મને જયારે અમરેલી છોડવાનું કારણ આપ્યું ત્યારે મને ખુબ જ આશ્ચર્ય થયું. એમના કહેવા પ્રમાણે અમરેલીમાં રહેતા હોવાને કારણે એમના દીકરાનો સંબંધ થઈ રહ્યો નથી. કુટુંબ આર્થિક રીતે સુખી, ઘરનું મકાન, દીકરો પણ ભણેલો અને ધંધા સગવડ છતાં અમરેલીનું નામ પડે એટલે છોકરીવાળા સીધી ના જ પાડી દે છે. ઘડીભર તો મને થયું કે,અમરેલી અફઘાનિસ્તાનમાં આવ્યું છે કે શું?. પછી બીજા મિત્રોને પૂછ્યું તો જાણવા મળ્યું કે, માત્ર અમારી જ્ઞાતિમાં જ નહિ પણ અમરેલીમાં રહેતા હોવાને કારણે ઘણી બધી જ્ઞાતિમાં અમરેલીમાં દીકરીઓ વાળા સંબંધ કરવા તૈયાર થતા નથી.





















