Hun To Bolish : હું તો બોલીશ : વિવાદોનું સ્માર્ટ મીટર?
સુરતના કોસાડ વિસ્તારમાં DGVCL અને અલેથીયા નામની ખાનગી કંપની સ્માર્ટ વીજ મીટર લગાવવા ગઈ હતી. ત્યારે અલેથીયા નામની કંપનીના કર્મચારી પર ચાર શખ્સોએ કર્યો જીવલેણ હુમલો. 15 મેએ કર્મચારીઓ કોસાડ આવાસના H4 બિલ્ડિંગ નંબર 311ના વિભાગ A અને વિભાગ Bની બિલ્ડિંગના મીટર બદલવા ગયા હતા. રહીશોની મંજૂરી સાથે કર્મચારીઓએ કામગીરી શરૂ કરી હતી. જો કે ત્યારે જ ચાર જેટલા શખ્સોએ અલેથીયા કંપનીના કર્મચારી ભૂષણ શિંદેને ઢોર માર માર્યો. હુમલામાં ભૂષણ શિંદેને ડાબા હાથ અને કોણીના ભાગે ઈજા પહોંચી. અન્ય સહકર્મચારીઓ પોલીસને જાણ કરતા પોલીસે એક મહિલા સહિત 4 આરોપીની ધરપકડ કરી. આ મુદ્દે સ્થાનિકોનું કહેવું છે કે, સ્માર્ટ વીજ મીટર અંગે DGVCLએ યોગ્ય માહિતી આપવી જોઈએ. તો કેટલાક લોકો સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરી રહ્યા છે.
વડોદરાના વાઘોડીયામાં લાયબ્રેરીથી નાની ભાગોળ વિસ્તારમાં MGVCLની ટીમે સ્માર્ટ વીજ મીટર લગાવવાની શરૂઆત કરતા સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા. સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરીને સ્થાનિકએ સૂત્રોચ્ચાર કર્યા. એટલુ જ નહીં વીજ કંપનીના કર્મચારીઓનો ઘેરાવ કરીને જે પણ વીજ મીટર લગાવ્યા હતા તે કાઢીને ફરીથી જુના વીજ મીટર લગાડવા મજબુર કર્યા. સાથે જ સ્થાનિકોએ સ્માર્ટ વીજ મીટર સરકારી કચેરી અને અધિકારીની ઓફિસ અને ઘરે લગાડવાની માગ કરી. જો કે સ્થાનિકોના જોરદાર વિરોધ પ્રદર્શનને જોતા MGVCLના કર્મચારીઓએ પણ સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી પડતી મુકી હતી.. બીજી તરફ MGVCLના અધિકારીએ જણાવ્યું છે લોકોના જાગૃતિ માટે સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવી રહ્યા છે.. વાઘોડીયા પંથકમાં કુલ 2775 સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવ્યા છે..





















