Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
ભાવનગર શહેર અને જિલ્લાના વિકાસને નવી દિશા આપતા બે મહત્વાકાંક્ષી ઓવરબ્રિજ પ્રોજેક્ટ્સ અંગે રાજ્યના કૃષિમંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીએ મહત્વની જાહેરાત કરી... શહેરના ટ્રાફિક વ્યવસ્થાપનને સુવ્યવસ્થિત કરવા માટે દેસાઈનગરથી નારી ચોકડી થઈને વરતેજ સુધી આશરે ₹650 કરોડના ખર્ચે બનનારા વિશાળ ઓવરબ્રિજ માટે ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે જ ઔદ્યોગિક અને શ્રમજીવી વિસ્તાર ગણાતા કુંભારવાડા ખાતે રેલવે ફાટકની વર્ષો જૂની સમસ્યાના કાયમી નિવારણ માટે ₹150 કરોડથી વધુના ખર્ચે અત્યાધુનિક ઓવરબ્રિજ બનાવવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે.આ પ્રોજેક્ટમાં નેશનલ હાઈવે, માર્ગ અને મકાન વિભાગ (R&B) તથા મહાનગરપાલિકાનું સંયુક્ત સંકલન રહેશે. દેશભરમાં ફાટક-મુક્ત વ્યવસ્થા ઊભી કરવાના અભિયાન અંતર્ગત હવે કુંભારવાડા ફાટક પર ₹150 કરોડથી વધુના ખર્ચે નવો ઓવરબ્રિજ બનાવવાનું નક્કી થયું છે. ટ્રાફિક સુગમ રહે તે માટે આ બ્રિજ પર વાહનોને ચઢવા અને ઉતરવા માટે અલગ-અલગ માર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે.





















