Ambalal Patel Prediction: હજુ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆત મેઘરાજાની તોફાની ઇનિંગ્સ સાથે થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, ૩૧ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બરના રોજ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. આ ઉપરાંત, રાજસ્થાનને અડીને આવેલા ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ચોમાસું ફરી જોર પકડશે
બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદનું જોર વધશે. ૩ સપ્ટેમ્બરથી ૯ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ભારે અને અતિ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા છે. જામનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે રાજકોટ, મોરબી, ચોટીલા, હળવદ, સુરેન્દ્રનગર અને ધાંગધ્રા જેવા ભાગોમાં હળવા અને ભારે વરસાદની સંભાવના છે. કચ્છના વિસ્તારોમાં પણ હળવા વરસાદની આગાહી છે.















