Amreli Boat Tragedy: સરકાર સહાય કરે તેવી રજૂઆત કરીશું: ધારાસભ્ય હીરા સોલંકીની પ્રતિક્રિયા
અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયામાં ત્રણ બોટ ડુબતા 11 માછીમારો લાપતા થયા હતા. જેમાંથી ત્રણ માછીમારોના મૃતદેહ મળ્યા છે.. જેમના મૃતદેહને મધરાતે જાફરાબાદ લાવવામાં આવ્યા. જાફરાબાદના દરિયાકિનારાથી 30 નોટિકલ માઈલ દુર બંન્ને મૃતદેહો મળી આવ્યાના સમાચાર મળી રહ્યા છે. 19 ઓગસ્ટે જાફરાબાદથી 18 નોટિકલ માઈલ દુર ત્રણ બોટ ડુબી હતી. જે ત્રણેય બોટમાં 28 જેટલા માછીમારો સવાર હતા. દુર્ઘટના સમયે 17 માછીમારોને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે 11 માછીમારો ગુમ થયા હતા જે પૈકી ચાર દિવસ બાદ ત્રણ માછીમારોના મૃતદેહ મળી આવ્યા છે. મૃતદેહ મળ્યાના સમાચાર મળતા જ માછીમારોના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા, યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ સહિતના રાજકીય નેતાઓ અને સ્થાનિક અગ્રણીઓ ગુમ થયેલ માછીમારોના ઘરે પહોંચીને પરિવારજનો સાથે ચર્ચા કરી. એબીપી અસ્મિતા સાથે વાત કરતા ધારાસભ્ય હીરા સોલંકીએ પ્રતિક્રિયા આપી કે દુર્ઘટના સમયે દરિયામાં કરંટ એટલો વધુ હતો કે કોઈ મદદ પહોંચી શકી નહોતી. હાલ તો વલસાડ, વાપી સહિતના કાંઠા વિસ્તારોને પણ ડુબેલી બોટ અંગે કોઈ જાણકારી મળે તો તાત્કાલિક સંપર્ક કરવાના કલેક્ટરે આદેશ આપી દીધા છે. મધદરિયે બનેલી આ કરૂણ ઘટનામાં મૃતકોના પરિવારજનોને પણ સરકાર તરફથી સહાય મળે તે માટે રજૂઆત કરવાની પણ ધારાસભ્યએ હૈયાધારણા આપી છે.

















