Mahisagar News : લુણાવાડામાં હાઈડ્રો પાવર પ્લાન્ટમાં ડૂબેલા કામદારોનો કોઈ પત્તો નહી
મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના દોલતપુરા ગામે આવેલા અજંતા એનર્જી પ્રાઈવેટ પ્રોજેક્ટના કુવાની અંદર પાણી ઘૂસી જતા પાંચ કામદાર અંદર ડૂબ્યા હતાં. કડાણા ડેમમાંથી પાણી છોડાતા કુવાની અંદર ઓચિંતા જળસ્તરમાં વધારો થયો. ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે જળસ્તરમાં ઓચિંતા થયેલા વધારાથી અંદર રહેલા 10થી 12 કામદારો પૈકી કેટલાક બહાર નીકળી શક્યા. જ્યારે પાંચ કામદાર બહાર નીકળી શક્યા ન હતા અને પળવારમાં જ પાણીમાં લાપતા બન્યા હતાં. ઘટનાની જાણ થતા લુણાવાડા પાલિકાની ફાયરની ટીમ અને NDRFને જાણ કરાઈ હતી. પાલિકાને સફળતા ન મળતા મોડીરાત્રે ગાંધીનગર NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી. NDRFએ વહેલી સવારથી શોધખોળ શરૂ કરી છે. જોકે હજુ સુધી લાપતા બનેલા પાંચ કામદારની કોઈ ભાળ મળી નથી. ઘટનાની જાણ થતાં જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસવડા, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે.



















