PM Modi In Kutch: કચ્છમાં PM મોદીનો હુંકાર! 'ભારતના જવાનો દહાડે છે ત્યારે આતંકના આકા કંપી જાય છે'
PM મોદી કચ્છ બોર્ડર પર બોલ્યા- 'આ દીપાવલી બહુ ખાસ, અયોધ્યામાં ભગવાન રામ 500 વર્ષ પછી મંદિરમાં બિરાજમાન થયા
છેલ્લાં દસ વર્ષથી PM મોદી દિવાળીની ઉજવણી દેશના જવાનો સાથે કરતા આવ્યા છે. આજે દિવાળીનું પર્વ છે ત્યારે સતત 11મા વર્ષે દિવાળી ઉજવવા કચ્છ પહોંચ્યા હતા. PM મોદીએ પાકિસ્તાનને અડીને આવેલા કચ્છની સરહદે ફરજ બજાવતા BSFના જવાનોનાં મોં મીઠાં કરાવી શુભેચ્છા પાઠવી હતી. BSF જવાનો સાથે દીપાવલી પર્વની ઉજવણી કર્યા બાદ જવાનોને સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કે, BSF સાથે દીપાવલીની ઉજવણી એ મારું સૌભાગ્ય છે.
BSFના જવાનો સાથે દીપાવલી પર્વની ઉજવણી સમયે વડાપ્રધાને કહ્યું હુતં કે, હું તમારી સાથે દિવાળીનું પર્વ તમારી વચ્ચે મનાવું છું તો મારી દીપાવલીની મીઠાશ અનેકગણી વધી જાય છે. આ વખતે આ દીપાવલી બહુ ખાસ છે. અયોધ્યામાં પ્રભુ રામ 500 વર્ષ પછી ફરી પોતાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે. હું તમને બધાને અને મા ભારતીની સેવામાં તૈનાત દેશના દરેક જવાનનો દીપાવલીની હાર્દિક શુભકામના આપું છું.
પ્રધાનમંત્રીએ સંબોધનમાં વધુ જણાવ્યું હતું કે, મને ગર્વ છે કે, આપણા જવાનોએ મુશ્કેલ સમયે પોતાના સામર્થ્યને સિદ્ધ કર્યું છે. આ ગુજરાતનો દરિયાકાંઠે દેશની બહુ મોટી તાકાત છે. એટલા માટે અહીંની દરિયાઈ સરહદ ભારત વિરોધી ષડયંત્રોનો સૌથી વધુ સામનો કરે છે. સરકક્રિક પર દુશ્મનની નાપાક નજર ક્યારની મંડરાયેલી છે. પણ દેશ નિશ્ચિત છે. કારણ કે સુરક્ષામાં તમે તૈનાત છો. દુશ્મનને પણ ખબર છે કે, 1971ના યુદ્ધમાં કઈ રીતે તમે જવાબ આપ્યો હતો. એટલા માટે જ આપણી નેવીની હાજરીમાં સરક્રિક અને કચ્છ તરફ કોઈ આંખ ઉઠાવવાની પણ હિંમત નથી કરતું.
PMએ કહ્યું કે, આજે દેશમાં એક એવી સરકાર છે જે દેશની સીમાની એક ઈંચ જમીનથી પણ સમજોતો ન કરી શકે. આ વિસ્તારમાં હું પહેલીવાર નથી આવ્યો . આ વિસ્તારમાં અનેકવાર આવ્યો છે. બહુ આગળ સુધી જઈને આવ્યો છું. આજે અમને જ્યારે જવાબદારી મળી છે તો અમારી નીતિ સેનાના સંકલ્પોના હિસાબે બને છે. અમે દુશ્મનની વાતો પર નહીં અમારી સેનાના સંકલ્પ પર ભરોસો કરીએ છીએ.
જવાનોને સંબોધતા વધુમાં જણાવ્યું કે, 21મી સદીની જરુરિયાતને જોતા આજે આપણે સુરક્ષાદળોને આધુનિક સાધનોથી સજ્જ કરી રહ્યા છીએ. સેનાને વિશ્વની સૌથી આધુનિક ફોર્સની કતારમાં ઉભી રાખી રહ્યા છે. પહેલા ભારતની ઓળખ હથિયાર મંગાવનારા દેશ તરીકેની હતી. આજે દુનિયાના અનેક દેશને ભારત ડીફેન્સ ઉપકરણ એક્સપોર્ટ કરી રહ્યો છે. પાછલા દસ વર્ષમાં અમારું રક્ષા નિર્યાત 30 ગણુ વધી ગયું છે. સરકારના આ વિઝનને સફળ બનાવવામાં આપણી સેનાની બહુ મોટી ભૂમિકા છે. હું દેશની સેનાને શુભેચ્છા આપીશ કે તેઓએ 5 હજારથી વધુ સૈન્ય ઉપકરણોનું લીસ્ટ બનાવ્યું છે જે હવે વિદેશથી નહીં ખરીદે. જેનાથી સૈન્ય ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત અભિયાનને નવી ગતિ પણ મળી છે.
PM મોદી આજે દિવાળીના દિવસે જ ગુજરાત પ્રવાસે છે ત્યારે દિવાળીના પર્વની ઉજવણી પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા સુરક્ષા જવાનો સાથે કરી રહ્યા છે. વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર નરેન્દ્ર મોદી કચ્છમાં દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. 22 વર્ષ પહેલાં વર્ષ 2002માં ભચાઉના ચોબારી ખાતે ભૂંકપગ્રસ્તો સાથે દિવાળીની ઉજવણી કરી અસરગ્રસ્તોને હૂંફ પાડી હતી.