Valsad News: મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો
વલસાડના મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ અને હત્યા કેસનો આરોપી રાહુલસિંગ જાટની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રાહુલસિંગે 25 દિવસમાં પાંચ નહીં. બલકે 6 હત્યા કરી હતી. રિમાન્ડ દરમિયાન SITની ટીમે તેની કડકાઈથી પૂછપરછ કરી. જેમાં તેણે કબૂલ્યું કે, ટ્રેનમાં તેણે વધુ એક મુસાફરની પણ હત્યા કરી છે.8મી જૂને તે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. ટ્રેનના વિકલાંગ ડબ્બામાં તેની સાથે એક દિવ્યાંગ મુસાફર પણ મુસાફરી કરી રહ્યો હતો. દિવ્યાંગ મુસાફરને વાતચીત દરમિયાન વિશ્વાસમાં લઈ તેને પોતાની સાથે ટ્રેનમાંથી ભેગો ઉતાર્યો. બાદમાં વડોદરા તરફના મેઈન રોડ પર થોડે દૂર લઈ જઈ એક ખુલ્લી જગ્યામાં સાંકળથી ગળું દબાવી હત્યા કરી નાખી. દિવ્યાંગ મુસાફર પાસેના રોકડ રૂપિયા અને મોબાઈલ લૂંટી તે ભાગી ગયો હતો. સીરિયલ કિલર રાહુલસિંગે કરેલા વર્ણનના આધારે તપાસ કરાઈ તો ડભોઈ પોલીસ સ્ટેશનમાં એક અકસ્માતે મૃત્યુનો કેસ નોંધાયો હતો. તપાસમાં ખુલ્યું કે, રાહુલસિંગે મહારાષ્ટ્રના નંદૂરબારના ફયાઝ શેખ નામના યુવકની હત્યા કરી હતી. મૃતક ફયાઝના પિતાએ ડભોઈ પોલીસ સ્ટેશનમાં રાહુલસિંગ સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. કુલ મળીને સીરિયલ કિલર રાહુલસિંગે 25 દિવસમાં ટ્રેનમાં મુસાફરી કરતાં ચાર નહીં. બલકે 5 મુસાફરોની હત્યા કરી. સાથે જ વલસાડના મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ આચરી તેની પણ હત્યા કરી નાખી. હજુ તેની પૂછપરછ ચાલી રહી છે. જેમાં વધુ હત્યાના ભેદ ખુલવાની સંભાવના છે.