Gujarat Government: બાળકો માટે મોબાઈલ અને સોશિયલ મીડિયાના ઉપયોગ પર નિયંત્રણના નિર્ણયને વાલીઓએ આવકાર્યો
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના મોબાઈલ લાવવા પર મુકાશે પ્રતિબંધ. એટલું જ નહીં. ક્લાસરૂમમાં શિક્ષકોના મોબાઈલના ઉપયોગ પરના પ્રતિબંધનો કડકાઈથી અમલ કરાવાશે. તાજેતરમાં જ સુરતમાં બે વિદ્યાર્થિનીઓએ મોબાઈલના વળગણને કારણે આત્મહત્યા કરી લીધી હતી. બંને વિદ્યાર્થિનીઓ સતત મોબાઈલ જોતી હતી. જેને લઈ માતા-પિતાએ ઠપકો આપતા બંનેએ જીવન ટૂંકાવ્યું હતું. તો અરવલ્લીના ધનસુરામાં ધોરણ 5માં ભણતી 10 વર્ષીય બાળકી સોશિયલ મીડિયા પર એક કિશોરના સંપર્કમાં આવી હતી. કિશોર તેને ભગાડીને લઈ ગયો હતો. બાદમાં બાળકી પર દુષ્કર્મ પણ આચર્યું હતું. આ ઘટનાઓની રાજ્ય સરકારે ગંભીર નોંધ લીધી છે. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ મોબાઈલ લઈને શાળામાં ન જઈ શકે. તે માટે શિક્ષણ વિભાગ કડક કાર્યવાહી કરશે. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જાહેરાત કરી છે કે, સોશિયલ મીડિયા અને સ્માર્ટ ફોનનું વળગણ દૂર કરવા આગામી દિવસોમાં સરકાર માર્ગદર્શિકા પણ જાહેર કરશે. કેમ કે, સ્માર્ટ ફોનના વધુ ઉપયોગથી બાળકોની શારીરિક અને માનસિક સ્થિતિ પર અસર પડે છે. સોશિયલ મીડિયાથી થતાં નુકસાન અંગે વાલીઓને જાગૃત કરવા શોર્ટ ફિલ્મ પણ બતાવાશે. જો કે, ચિંતાની વાત એ છે કે, ખાનગી શાળાઓની નીતિના કારણે હવે પુસ્તકોનું સ્થાન સ્માર્ટ ફોને લઈ લીધું છે. હાજરી, રજા, હોમવર્ક, એક્ટિવિટી અને અભ્યાસ પણ ઓનલાઈન મોબાઈલ મારફત કરાવવામાં આવે છે.