Ukai Dam: ઉકાઈ ડેમના ત્રણ દરવાજા ખોલી છોડાયું પાણી, કાંઠા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ #UkaiDam #Tapi
તાપીમાં કમોસમી વરસાદ વચ્ચે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે. ભયજનક સપાટી પર ડેમ પહોંચતા ડેમના ત્રણ દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. હાલ ડેમની સપાટી 345.02 ફૂટ પર પહોંચી છે. ઉપરવાસમાંથી હાલ 46,418 ક્યુસેક આવક જેની સામે એટલું જ પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યુ છે.
તાપી કાંઠાના ગામોને સાવચેતના ભાગરૂપે એલર્ટ કરાયા
ઉકાઈ ડેમના 3 ગેટ ચાર ફૂટ ખોલવામાં આવતા તાપી કાંઠાના ગામોને સાવચેતના ભાગરૂપે એલર્ટ કરાયા છે. તાપીના સોનગઢ તાલુકામાં પડેલા કમોસમી વરસાદ વચ્ચે ડોસવાડા ડેમ ફરી ઓવરફ્લો થયો છે. ગાયકવાડી સમયનો ડોસવાડા ડેમ ફરી ઓવરફ્લો થતા મીંઢોળા નદીમાં પાણીની આવક વધી છે. ડોસવાડા ડેમની નીચે આવેલ 10થી વધારે ગામોના લોકો અને ખેડૂતોને નદી કિનારે નહીં જવા અપીલ કરવામાં આવી છે. ડોસવાડા ડેમ ફરી ઓવરફ્લો થતા ખેડૂતોમાં આનંદની લાગણી છે.




















