Rajkot S N Kansagra School: રાજકોટની SNK શાળાની વિદ્યાર્થિનીનો ગંભીર આરોપ
રાજકોટની SNK શાળાની ધોરણ છની વિદ્યાર્થિનીનો ગંભીર આરોપ. સિનિયર વિદ્યાર્થીઓ સ્કૂલ બસમાં પરેશાન કરતા હોવાનો દાવો. સ્કૂલે શરૂ કરી તપાસ..
રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી SNK સ્કૂલ ફરી વિવાદમાં આવી છે. ધોરણ 6માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ ધો. 11માં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા છેડતી કર્યાના આક્ષેપ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો, ત્યારે આ મામલે ABVPના કાર્યકરો અને હોદ્દેદારો સ્કૂલ પ્રિન્સિપાલને રજૂઆત કરવા પહોંચ્યા હતા. પરંતુ ABVPના કાર્યકરોને સંસ્થાના દરવાજા પર જ અટકાવી દેવામાં આવ્યા હતા. જે બાદ કાર્યકરો દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસ દ્વારા 14 કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી. જોકે, આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, યુનિવર્સિટી રોડ પર આવેલી એસએનકે સ્કૂલમાં ધો. 6માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીનો સિનિયર વિદ્યાર્થી દ્વારા છેડતી કર્યાના આક્ષેપ સાથેનો વીડિયો બે દિવસથી સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વાઈરલ વીડિયોમાં વિદ્યાર્થિની જણાવી રહી હતી કે, આ આખી ઘટના છેલ્લા બે મહિનાથી ચાલી રહી છે પરંતુ સ્કૂલે કોઈ એક્શન નથી લીધું. ધો. 11ના છોકરાઓ અમને બુલી કરે છે અને અમારા ઉપર રોજ રોફ જમાવે છે. જેમ ફાવે એમ અમારા માતા-પિતાને બોલે છે. તેઓ અમને માર્યા છે. હાલત ખરાબ થઈ ગઈ છે. માથું દુ:ખે છે. સ્કૂલવાળાને પાંચમીવાર ફરિયાદ કરી પણ કોઇ એક્શન લેવાતું નથી.
















