Surat News: સુરતમાં 6 વર્ષથી સગી દીકરી પર દુષ્કર્મ આચરનાર પિતાની પોલીસે કરી ધરપકડ
સુરતના હજીરા વિસ્તારમાંથી એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પિતાએ પોતાની જ સગીર દીકરી પર છ વર્ષ સુધી અમાનુષી અત્યાચાર ગુજાર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ૧૭ વર્ષીય પીડિતા પર થયેલા લાંબા સમયના શારીરિક શોષણથી કંટાળીને તે ઘર છોડી ભાગી છૂટી હતી, અને અંતે બહેનપણીને આપેલી આપવીતી બાદ ઈચ્છાપોર પોલીસે ૫૦ વર્ષીય નરાધમ પિતાને રેપ અને પોક્સો એક્ટની કલમો હેઠળ દબોચી લીધો છે.
સુરત, હજીરા વિસ્તારમાં એક જાણીતી કંપનીમાં કોન્ટ્રેક્ટ પર કાર્યરત મૂળ ઉત્તર પ્રદેશના વતની પિતાએ પોતાની જ સગી દીકરીનું સતત છ વર્ષ સુધી યૌન શોષણ કર્યું હોવાની ચોંકાવનારી ફરિયાદ ઈચ્છાપોર પોલીસ મથકે નોંધાઈ છે. આ ભયાવહ દુષ્કર્મથી કંટાળીને પીડિતાએ આખરે ઘર છોડી દીધું, સુરત રેલવે સ્ટેશન પર બે રાત વિતાવી, અને ત્યાંથી કોઈ ઓળખીતાનો સંપર્ક કરી ઈચ્છાપોર પોલીસ મથકે પહોંચતા સમગ્ર ગુનો પ્રકાશમાં આવ્યો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી નરાધમ પિતાની ધરપકડ કરીને તેને જેલહવાલે કર્યો છે.




















