Tapi Rain : તાપીમાં ધોધમાર 6.34 ઇંચ વરસાદથી જળબંબાકાર, 35 માર્ગ બંધ હાલતમાં, જુઓ અહેવાલ
Tapi Rain : તાપીમાં ધોધમાર 6.34 ઇંચ વરસાદથી જળબંબાકાર, 35 માર્ગ બંધ હાલતમાં, જુઓ અહેવાલ
Tapi Rain: તાપી શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વ્યારા અને ડોલવણ તાલુકામાં વરસાદના કારણે ખેતરો જળમગ્ન થઈ ગયા છે. ડોલવણમાં સાંજે ચાર વાગ્યા સુધીમાં 6.34 ઈંચ વરસાદથી જળબંબાકાર થયું હતું. ખેતરોમાં પાણી ભરાતા ડાંગરનો ઉભો પાક પાણીમાં ગરકાવ થયો હતો. વ્યારાના જેસીંગપુરા નજીક ખેતરોમાં કોતરના પાણી ફરી વળતા ખેડૂતો ચિંતિત થયા હતા. વરસાદના કારણે જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓ જળમગ્ન થયા હતા. અલગ અલગ તાલુકાના અંદાજે 35 માર્ગો બંધ થયા હતા. વ્યારાના જેસિંગપુરાથી ઉમરવાવના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જેથી વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ડોલવણ તાલુકામાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. ડોલવણ તાલુકાના વાંકલા ગામેથી પસાર થતી નદી બે કાંઠે થઈ હતી.
નદીઓમાં પાણી આવતા પશુપાલકો અને ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. ઓલણ, અંબિકા, ઝાંખરી સહિતની નદીઓ બે કાંઠે થઈ હતી. ગ્રામીણ વિસ્તારના લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થયા હતા. તાપીના ઉચ્છલમાં રાયંગણ ખાડીમાં ન્હાવા પડેલો એક યુવક તણાયો હતો. ધસમસતા પાણીના વહેણમાં નહાવા પડેલા આ ઈસમને સ્થાનિકોએ મેથીપાક આપ્યો હતો. જિલ્લામાં અને ઉપરવાસમાં વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. ઉકાઈ ડેમમાં 92 હજાર 292 ક્યુસેક પાણીની આવક થઈ છે જેની સામે ડેમના 6 દરવાજા ખોલી 76 હજાર 498 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની સપાટી 335.81 ફૂટ પર પહોંચી હતી. તાપી નદીના કાંઠા વિસ્તારના ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા હતા.
















