Vadodara Stone Pelting: નવરાત્રિ પૂર્વે વડોદરામાં ફરી શાંતિ ડહોળવાનો પ્રયાસ, જૂની ગઢી વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો
વડોદરામાં મોડી રાત્રે સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના જૂની ગઢી વિસ્તારમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. સોશિયલ મીડિયા પર એક સમુદાયની લાગણી દુભાય તેવો મેસેજ વાયરલ થતાં મામલો ગરમાયો હતો. આ ઘટના બાદ લઘુમતી સમાજના લોકો સીટી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. પથ્થરમારામાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. જોકે, જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ અને સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફે તાત્કાલિક દખલગીરી કરીને પરિસ્થિતિને શાંત પાડી હતી. હાલ વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે.
આ અંગે વિગતે વાત કરીએ તો, વડોદરાના જૂની ગઢી વિસ્તારમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક મેસેજને કારણે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. AI આધારિત એક ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટને કારણે આ વિવાદ શરૂ થયો, અને જોતજોતામાં મામલો ગરમાયો. પરિણામે, બંને જૂથના લોકો સામસામે આવી ગયા અને પથ્થરમારો શરૂ થયો, જેનાથી વિસ્તારમાં અશાંતિ ફેલાઈ.
આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. પથ્થરમારા બાદ મોટી સંખ્યામાં લોકો સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોકે, પોલીસે પરિસ્થિતિની ગંભીરતાને પારખીને તાત્કાલિક પગલાં લીધાં અને મામલાને શાંત પાડ્યો, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના થતી અટકી.





















