Donald Trump Tariff: ટ્રમ્પનું ટેરિફ તરકટ અમેરિકામાં 10 લાખ લોકોને બનાવશે બેરોજગાર
ટ્રમ્પનું ટેરિફ તરકટ અમેરિકામાં 10 લાખ લોકોને બનાવશે બેરોજગાર. આ દાવો કર્યો છે યેલ યુનિવર્સિટીની બજેટ લેબનો. ટ્રમ્પે નાંખેલો ટેરિફ 10 લાખ અમેરિકનોને ગરીબીના ખપ્પરમાં હોમી દેશે. ટ્રમ્પના ટેરિફે અમેરિકનોને મોંઘવારી, બેકારી અને ગરીબીના ખપ્પરમાં હોમવા માંડ્યા છે. યેલ યુનિવર્સિટીના બજેટ લેબના વિશ્લેષણ મુજબ અમેરિકાના લગભગ 60થી 70 ટકા વર્ગની ખરીદ શક્તિ ખતમ થઈ રહી છે. તેઓ રીતસર દૈનિક જરૂરિયાતો પૂર્ણ કરવા સંઘર્ષ કરી રહ્યા છે. અમેરિકામાં ગરીબોની કુલ સંખ્યા 3.6 કરોડ છે અને ટ્રમ્પની નીતિઓ જોતા તે ચાર કરોડને વટાવી જાય તો નવાઈ નહીં. બજેટ લેબ મુજબ ગરીબી દર વર્ષ 2026માં 12 ટકાથી વધીને 12.2 ટકા થઈ જશે. ટ્રમ્પના ટેરિફના લીધે આજે બટાટાનો ભાવ પ્રતિ કિલો 84 રૂપિયા પહોંચી ગયો છે. તો ઈંડાનો ભાવ 12 ટકા વધીને એક ડઝનના 3.59 ડોલર એટલે કે 300 રૂપિયા થઈ ચૂક્યા છે. જ્યારે દૂધ પ્રતિ ગેલન 4.17 ડોલર એટલે કે 350 રૂપિયાના ભાવે મળી રહ્યું છે. એક પાઉન્ડ કેળાનો ભાવ 8.8 ટકા વધ્યો છે અને તે 56 રૂપિયે વેચાઈ રહ્યા છે. ચોખાનો ભાવ 89 રૂપિયે, બ્રેડનો 155 અને બીફનો ભાવ 557 રૂપિયા થઈ ગયો છે.. આમ અમેરિકનોની સામાન્ય ખાવા પીવાની વસ્તુઓ પણ તેમની પહોંચ બહાર થવા લાગી છે. જે અમેરિકામાં આર્થિક સંકટ વધી રહ્યું છે તે દર્શાવે છે. મોંઘવારીનો દર ગત વર્ષની તુલના 2.9 ટકા વધ્યો છે.
















