IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી
ઓસ્ટ્રેલિયાએ સિડની ટેસ્ટમાં ભારતને 6 વિકેટથી હરાવ્યું છે. આ સાથે ઓસ્ટ્રેલિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT 2024-25)માં 3-1થી જીત મેળવી છે. છેલ્લા 10 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે ટીમ ઈન્ડિયા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવામાં સફળ રહી નથી. સિડની ટેસ્ટની ચોથી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાને 162 રનનો ટાર્ગેટ મળ્યો હતો જેને કાંગારુઓએ 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું, જે દેખીતી રીતે જ ખોટું સાબિત થયું. રોહિતે આ મેચમાંથી પોતાને બહાર કરી દીધો હતો, જેના કારણે જસપ્રીત બુમરાહ કેપ્ટન્સી કરતો જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયાનો પ્રથમ દાવ 185 રન પર સમેટાઈ ગયો હતો. ભારતીય બેટિંગ લાઇન અપ ફરી નિષ્ફળ સાબિત થઈ, પરંતુ બોલરોએ ટીમ ઈન્ડિયા માટે પુનરાગમન કર્યું અને કાંગારૂ ટીમને 181 રનમાં સમેટી દીધી. આ રીતે ભારતે 4 રનની લીડ મેળવી લીધી હતી.