'તમારો પરસેવો દેશની કરોડો દીકરીઓ માટે પ્રેરણા બન્યો', હાર બાદ ભાવુક થયેલી મહિલા હોકી ટીમ સાથે PM મોદીએ ફોન પર કરી વાત
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ શુક્રવારે ટોક્યો ઓલિમ્પિકમાં મેડલની રેસમાં બહાર થનારી મહિલા હોકી ટીમ સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન મહિલા હોકી ટીમના અનેક ખેલાડીઓ ભાવુક થઇ ગયા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બેટી તમે બધા ખૂબ સારુ રમ્યા. તમે પાંચ-છ વર્ષથી આ રમતમાં ખૂબ પરસેવો પાડ્યો છે. બધુ છોડીને આ રમતમાં સાધના કરી રહ્યા હતા. તમે દેશની દીકરીઓ માટે પ્રેરણારૂપ બની ગયા છો. હું ટીમના ખેલાડીઓ અને કોચને અભિનંદન પાઠવું છું. નોંધનીય છે કે ભારતીય મહિલા હોકી ટીમની બ્રિટેન સામે હાર થઈ છે. બ્રોન્ઝ મેડલ માટે રમાયેલી મેચમાં ભારતની 4-3થી હાર થઈ છે. આ સાથે જ ભારતના બ્રોન્ઝ મેડલ જીતવાની આશા પર પાણી ફરી વળ્યું છે.





















