સૌરાષ્ટ્રમાં લસણ અને ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, માર્કેટયાર્ડમાં ડુંગળી 1 રૂપિયે કિલો, લસણ 10 રૂપિયે કિલો વેંચાઈ રહયું છે
ખેડૂતોને મજૂરીના કે બારદાનના પૈસા પણ નીકળી શકે તેમ નથી, જો આ જ પરિસ્થિતિ રહી તો ખેડૂતો ખેતી છોડીને અન્ય વ્યવસાય તરફ વળશે તે નક્કી છે.
સૌરાષ્ટ્રમાં લસણ અને ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા છે. ભાવનગર જિલ્લામાં સમગ્ર રાજયમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન થાય છે અને અહીંની ડુંગળીની અન્ય રાજ્યોમાં સારી એવી માંગ જોવા મળે છે. ભાવનગર જિલ્લામાં દર વર્ષે હાજરો હેકટરમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે, ડુંગળીના ઉત્પાદનના ક્ષેત્રે નાસિક બાદ ભાવનગર બીજા નમ્બરે આવે છે, પરંતુ હાલ ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે.
વાવેતર પૂર્ણ થયા બાદ ખેડૂત જ્યારે ડુંગળી વહેંચવા માટે માર્કેટિંગ યાર્ડ પહોંચે છે ત્યારે તેમને પોષણક્ષમ ભાવ પણ મળી રહ્યાં નથી. ભાવનગર જિલ્લમાં સામાન્ય રીતે ડુંગળી નવેમ્બર કે ડિસેમ્બરમાં માર્કેટમાં આવે છે પરંતુ આ વર્ષે ડુંગળી ફેબ્રુઆરી અને માર્ચમાં માસમાં આવતા ખેડૂતો ભારે ફટકો પડ્યો છે. હાલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક 30 હજાર થી લઈ 50 હજાર બોરીની આવક થાય છે તેની સામે ભાવ પણ તળિયે બેસી ગયા છે. અગાઉ પ્રારંભમાં ડુંગળી 700 થી 900 રૂપિયે 20 કિલો વહેંચાતી હતી જે આજે 60 રૂપિયાની અંદર ભાવ જવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
ખેડૂતોનું કહેવું છે કે તેમને જે ભાવ મળી રહ્યાં છે તેમાં મજૂરીના કે બારદાનના પૈસા પણ નીકળી શકે તેમ નથી, જો આ જ પરિસ્થિતિ રહી તો ખેડૂતો ખેતી છોડીને અન્ય વ્યવસાય તરફ વળશે તે નક્કી છે. માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને 1-કિલનાં બે- રૂપિયા મળી રહ્યા છે આગામી દિવસોમાં જો ભાવ વધારવામાં નહીં આવે તો ખેડૂતો દેવાના ડુંગર તળે દબાઈ જશે તેવી સ્થિતિ થશે
લસણની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં લસણનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું.ગત વર્ષ કરતા લસણનું વીઘા દીઠ ઉત્પાદન 50 ટકા ઘટયું છે. એક બાજુ ઉત્પાદન ઘટયું તો બીજી તરફ ખેડૂતોને પાણીના ભાવે લસણનું વેચાણ કરવું પડી રહ્યું છે.
રાજકોટ યાર્ડમાં લસણના સરેરાશ 3000 કટ્ટાની આવક થાય છે. હાલમાં લસણના સરેરાશ ભાવ 150 થી 250 રૂપિયા મળી રહ્યાં છે. લસણ 8 થી 10 રૂપિયા કિલોએ વેચવા માટે ખેડૂતો મજબૂર બન્યાં છે. ખેડૂતોની માંગ છે કે સરકાર લસણ અને ડુંગળીમાં ટેકાના ભાવ નક્કી કરે.