Gujarat Rain: વરસાદ ખેંચાતા આ જિલ્લાઓમાં સિંચાઈ માટે 10 કલાક અપાશે વીજળી અને છોડાશે પાણી, 12 લાખ ખેડૂતોને થશે ફાયદો
નાણાં અને ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું કે વરસાદ ખેચાતા સરકારે ખેડૂતોને પાવર અને પાણી પૂરું પાડવાનું નક્કી કર્યું છે.
Gujarat Rain: વરસાદ ખેંચાતા ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક વિસ્તારમાંથી સિંચાઇ માટે વીજળી અને પાણી આપવાની માગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. આ માગણીને ધ્યાને રાખી રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયથી 12 લાખ ખેડૂતોને ફાયદો થશે. 10 દિવસ બાદ અન્ય જીલ્લાઓ અને સ્થળ માટે નિર્ણય લેવાશે.
આ નિર્ણયની જાહેરાત કરતા નાણાં અને ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું કે વરસાદ ખેચાતા સરકારે ખેડૂતોને પાવર અને પાણી પૂરું પાડવાનું નક્કી કર્યું છે. રાજ્યના 14 જિલ્લામાં 8ના બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે અને તેની અમલવારી આગામી 1લી તારીખ પહેલા થઈ જશે. સિંચાઇ મંત્રી કુંવરજી બાવળિયાએ ખેડૂતોને નર્મદા, સુજલામ સુફલામ્ અને ડેમ દ્વારા પાણી આપવાની જાહેરાત કરી છે. પાણી અને વીજળી આપવામાં કપાસ, ડાંગર અને મગફળી વાળા વિસ્તારને પ્રાથમિકતા આપવામાં આવી છે.
ક્યાં જિલ્લાને મળશે 10 કલાક વીજળી?
- કચ્છ
- બનાસકાંઠા
- સાબરકાંઠા
- મહેસાણા
- પાટણ
- ગાંધીનગર
- અમદાવાદ
- ખેડા
- અમરેલી
- સુરેન્દ્રનગર
- રાજકોટ
- જામનગર
- દ્વારકા
- જૂનાગઢ
કુંવરજી બાવળિયાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, નર્મદામાંથી આજથી પાણી છોડાશે. સુજલામ સુફલામ્ દ્વારા પાઇપ લાઈન નખાઈ છે ત્યાં પણ પાણી છોડશે, જે ડેમમાં 80 ટકા પાણી છે ત્યાં પાણી છોડવામાં આવશે. ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ્માં પાણી અપાશે તથા ખંભાત અને તારાપુર વિસ્તારમાં પણ કડાણા ડેમમાંથી પાણી છોડાશે.
રાજ્યમાં આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ
ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. હવામાન આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદનું પ્રમાણ નહીવત છે, કેટલાય જગ્યાએ વાતાવરણ સૂકુ રહી શકે છે. આગાહી પ્રમાણે, ડાંગ, વલસાડ અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.
હવામાન આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી પાંચથી સાત દિવસ સુધી વરસાદની આગાહી નથી, એટલે કે રાજ્યમાં વરસાદનું પ્રમાણ નહીવત રહેશે, એક સપ્તાહ સુધી રાજ્યમાં કોઇપણ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી, વાતાવરણ સૂકુ રહેશે. જોકે, આ દિવસોમાં રાજ્યમાં ડાંગ, વલસાડ, બનાસકાંઠા ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. ખાસ વાત છે કે, આ વખતે ઓગસ્ટમાં સૌથી ઓછો વરસાદ ખાબક્યો છે, એટલે કે છેલ્લા 10 વર્ષના ઇતિહાસમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં સૌથી ઓછો વરસાદ રાજ્યમાં પડ્યો છે. જોકે, આ સિઝનમાં અત્યાર સુધી કુલ 94.5 ટકા વરસાદ પડી ચૂક્યો છે.