(Source: ECI/ABP News/ABP Majha)
Tomato Price : ટામેટા કેમ થયા લાલઘુમ અને કેમ ફટકારી સદી? આ રહ્યાં કારણો
ટામેટા એક એવું શાક છે, જેના વિના દરેક વાનગી અધૂરી લાગે છે. દરેક વાનગીનું ગૌરવ વધારતા ટામેટા જો આ રીતે આકાશને સ્પર્શે તો સામાન્ય માણસના પેટમાં તેલ નીકળે તે નિશ્ચિત છે.
Tomato Price Rise: સામાન્ય માણસના ખિસ્સા પર ફરી એકવાર બોજ વધ્યો છે. ટામેટાએ ભલભલા લોકોનું બજેટ ખોરવી નાખ્યુ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ટામેટાના વધેલા ભાવે લોકોને ચિંતામાં મૂકી દીધા છે. હવે ચિંતા પણ કેમ નથી થતી? ટામેટા એક એવું શાક છે, જેના વિના દરેક વાનગી અધૂરી લાગે છે. દરેક વાનગીનું ગૌરવ વધારતા ટામેટા જો આ રીતે આકાશને સ્પર્શે તો સામાન્ય માણસના પેટમાં તેલ નીકળે તે નિશ્ચિત છે. તમને જાણીને નવાઈ લાગશે કે દેશના ઘણા ભાગોમાં ટામેટાની કિંમત 100-120 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.
હાલમાં ટામેટાના ભાવે સદી ફટકારી દીધી છે. ટામેટાના જથ્થાબંધ ભાવ 65-70 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. ટામેટાંના નવા ભાવોએ ગરીબોની ચિંતા તો વધારી જ છે પરંતુ મધ્યમ વર્ગના પરિવારનું બજેટ પણ બગાડ્યું છે. દરેક જગ્યાએ એક જ વાતની ચર્ચા થઈ રહી છે કે એવું તો શું થયું કે ટામેટાંના ભાવ આસમાને પહોંચી ગયા. પરંતુ સવાલ એ છે કે, આમ થવાનું કારણ શું?
ટામેટાંના ભાવ કેમ વધ્યા?
વાસ્તવમાં એવા ઘણા કારણો છે, જેના કારણે ટામેટાંના ભાવમાં વધારો થયો છે. પહેલુ કારણ તાપમાનમાં વધારો છે. દેશના ઘણા રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ ગરમી પડી રહી છે. બીજું કારણ એ છે કે, આ વખતે ટામેટાંનું ઉત્પાદન ખૂબ જ ઓછા પ્રમાણમાં થયું છે. ટામેટાં ઓછા અને માંગ વધારે છે. ત્રીજું અને સૌથી મોટું કારણ વરસાદનું મોડું આગમન છે. આવા કેટલાક કારણોસર ટામેટાના ભાવમાં અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે. ગયા મહિને જ ટામેટાં રૂ.25 પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યા હતા. પરંતુ જૂન મહિનો આવતાં જ સ્થિતિ વણસી. ટામેટાંના વધેલા ભાવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ફુગાવાની સમસ્યામાં પણ વધારો કર્યો છે.
છેલ્લા બે દિવસમાં ટામેટાંના ભાવમાં વધારો વધુ ઝડપી બન્યો છે. દિલ્હીના આઝાદપુર જથ્થાબંધ બજારના ટમેટાના વેપારી અશોકે જણાવ્યું કે, ઉત્તર પ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોમાંથી ટામેટાંનો પુરવઠો ઘણો ઓછો થયો છે. હવે બેંગ્લોરથી ટામેટાં ઠલવાઈ રહ્યા છે. તાજેતરમાં પડેલા વરસાદને કારણે ટામેટાના પાકને નુકસાન થયું છે.
ક્યારે સુધરશે સ્થિતિ?
જોકે, એવું નથી કે આવનારા દિવસોમાં પણ આવી જ સ્થિતિ રહેશે. અશોકે કહ્યું હતું કે, આગામી દિવસોમાં ટામેટાંના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. કારણ કે તેનો નવો પાક શરૂ થવાનો છે. પરંતુ જો હિમાચલ પ્રદેશ અથવા અન્ય ઉત્પાદક પ્રદેશોમાં ભારે વરસાદ થાય છે. તો એવી પણ શક્યતા છે કે, થોડો સમય ટામેટાંના ભાવ આ જ રીતે ઊંચા રહી શકે છે.