(Source: ECI/ABP News/ABP Majha)
Janmashtami 2021: પુષ્ટિમાર્ગમાં કેમ જન્માષ્ટમીના બીજા દિવસે ઉજવવામાં આવે છે નંદ મહોત્સવ ? જાણો શું છે કારણ
Janmashtami 2021 સવારે જ્યારે બધા માયા મુક્ત થયા ત્યારે યશોદાજી, નંદરાયજી બધાએ પુત્રના પ્રાગટ્યની ખૂબ ખૂબ વધાઈ કરી અને આખા ગોકુલ ગામમાં આનંદની છોળ ઉડવા મંડી કે નંદ ઘેર આનંદ ભયો.
Janmashtami 2021: જન્માષ્ટમી હિન્દુઓનો પ્રમુખ તહેવારોમાંથી એક છે. આ તહેવાર શ્રી હરિ વિષ્ણુના આઠમા અવતાર શ્રીકૃષ્ણના જન્મદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીનો તહેવાર બે દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ 30-31 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. સાધુ-સંન્યાસ, શૈવ સંપ્રદાયે સોમવાર એટલે કે 30 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉજવશે. જ્યારે કે વૈષ્ણવ સંપ્રદાયની હવેલી, બેઠક, મંદિરોમાં મંગળવાર એટલે કે 31 ઓગસ્ટના રોજ કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે. એવુ માનવામાં આવે છે કે, પહેલા દિવસે સાધુ-સંન્યાસી, શૈવ સંપ્રદાય દર વર્ષે જન્માષ્ટમી ઉજવે છે, જ્યારે કે બીજા દિવસે વૈષ્ણવ સંપ્રદાય અને વ્રજવાસી આ તહેવાર ઉજવે છે. પરંતુ પુષ્ટિ સંપ્રદાયમાં કેમ બીજા દિવસે શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે તેને લઈ અનેક લોકોને પ્રશ્નો થતાં હોય છે.
આ અંગે વધુ વિગત આપતાં અમદાવાદની નરોડા બેઠકના અધિકારીજી જયેશભાઈ રાયચુરાએ જણાવ્યું કે, કૃષ્ણનું પ્રાગટ્ય જન્માષ્ટમી એટલે કે અષ્ટમીના દિવસે મથુરામાં કારાવાસમાં થયું અને તેની સાથે જ પોતાના સેવક માયાને વિનંતી કરી કે તમે બધાને નિંદ્રામાં લાવી દો. જે બાદ આપોઆપ તાળા ખુલી ગયા. જ્યાં પ્રભુનું પ્રાગટ્ય થાય ત્યાં તાળા આપોઆપ ખુલી જાય છે. તે સમયે દેવકીજી અને વસુદેવજી પણ થોડા માયામાં હતા. પોતાના પુત્રનું અષ્ટભૂજા સ્વરૂપે પ્રાગટ્ય જોઈ દેવકીજીએ કહ્યું, મને તો પ્રાકૃત બાલક જોઈતું હતું એટલે સ્વયં પ્રભુએ પોતાનું પ્રાકૃત સ્વરૂપ કરી દીધું અને ભુજાઓ સંકેલીને બે ભૂજા જ રાખીને દેવકીજીને દર્શન આપ્યા, જે બાદ દેવકીજી પાછા માયામય થઈ ગયા.
બીજી બાજુ વસુદેવજીને ખબર હતી કે આવું ઘટિત થશે તેથી તેમણે તેને ગોકુલમાં પધરાવી જવાનો વિચાર કર્યો હતો તે પણ માયાનું જ એક કામ હતું. બાલકૃષ્ણને પોતાના મસ્તક પર પધરાવી કારાવાસમાંથી બહાર નીકળી ગોકુલમાં નંદરાયજી અને યશોદાજીના ઘરે પધરાવવા નીકળ્યા. આ બાજુ યમુનાજી પણ પ્રભુને મળવા આટલા જ આકુળ વ્યાકુળ હતા. એટલે યમુનાજીનું મિલન પણ ત્યાં શ્રીકૃષ્ણ સાથે થાય છે. આ બાજુ નંદરાયજી અને યશોદાજીને ત્યાં માયાનું જે પ્રાગટ્ય થયું હતું તે લઈને પાછા વસુદેવજી કારાવાસમાં આવી જાય છે. હવે વાત પુષ્ટિ પુરષોત્તમ શ્રીકૃષ્ણની કરીએ. ગોકુલમાં પ્રગટેલા પુષ્ટિ પુરષોત્તમની સેવા 12 વર્ષને 52 દિવસ કરીએ છીએ. ગોકુલ લીલા, મથુરા લીલા અને દ્વારકા લીલા એમ ત્રણ અલગ અલગ લીલા છે. પુષ્ટિ ભક્તોએ 12 વર્ષ 52 દિવસની સેવાનો ક્રમ લીધો. સવારે જ્યારે બધા માયા મુક્ત થયા ત્યારે યશોદાજી, નંદરાયજી બધાએ પુત્રના પ્રાગટ્યની ખૂબ ખૂબ વધાઈ કરી અને આખા ગોકુલ ગામમાં આનંદની છોળ ઉડવા મંડી કે નંદ ઘેર આનંદ ભયો.
વસુદેવજીને બધા વધામણા આપવા લાગ્યા અને કહ્યું આપ પણ ઝુલાવો અને અમે પણ ઝુલાવીએ બાલકને. પ્રભુ તો સ્વયં પરબ્રહ્મ હતા, પ્રગટતાની સાથે જ તેમણે લીલીઓ શરૂ કરી હતી. એટલે નંદરાયજીએ ગોપીઓને તેમને ઝુલાવવા માટે આજ્ઞા આપી અને નંદરાયજીએ નંદ મહોત્સવ મનાવ્યો. એટલે બીજા દિવસે નંદ મહોત્સવ મનાવવામાં આવ્યો. પોતાની ઓસરીમાં પલનું પધરાવી સૌ વ્રજભક્તો અને ગોપીજનને, ગોકુલવાસીઓને ખૂબ આનંદ આપ્યો. ઉપરાંત ખૂબ દૂધ, દહીં, માખણ, મિસરી ઉડાવવામાં આવ્યું અને વ્રજભક્તોએ ખૂબ આનંદ સાથે નંદ ઘરે આનંદ ભયો કર્યો. આકાશમાંથી દેવી-દેવતાઓએ પુષ્પ વૃષ્ટિ પણ કરી. આ દ્રશ્ય જોવા સૌ આકુળ વ્યાકુળ હતા. એટલા માટે અષ્ટમીના દિવસે પ્રાગટ્ય અને નોમના દિવસે જ્યારે ગોકુલ ગામમાં ખબર પડી કે નંદરાયજીને ત્યાં સ્વયં પરબ્રહ્મનું પ્રાગટ્ય થયું છે તેથી નોમના દિવસે નંદ મહોત્સવ મનાવવામાં આવે છે.