Vav By Election: કૉંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું, વાવ બેઠક પર સ્વરુપજી ઠાકોરની આટલા મતે જીત
બનાસકાંઠાની વાવ બેઠક પરની પેટા ચૂંટણીના પરિણામ સામે આવ્યા છે. વાવ બેઠક પર કાંટે કી ટક્કર બાદ ભાજપની જીત થઈ છે.
બનાસકાંઠા: બનાસકાંઠાની વાવ બેઠક પરની પેટા ચૂંટણીના પરિણામ સામે આવ્યા છે. વાવ બેઠક પર કાંટે કી ટક્કર બાદ ભાજપની જીત થઈ છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરુપજી ઠાકોર વાવ બેઠક પર 1300 મતે વિજેતા બન્યા છે.
વહેલી સવારથી વાવ બેઠક પર મતગણતરી શરુ થઈ હતી. 12 રાઉન્ડ સુધી કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આ બેઠક પર આગળ ચાલી રહ્યા હતા.
પેટાચૂંટણી માટે કુલ 70.55 ટકા મતદાન થયું હતું
વાવ વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી પાલનપુરના જગાણામાં આવેલ સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં કરવામાં આવી હતી. સૌથી પહેલા બેલેટ પેપરની મતગણતરી થઈ હતી. બેલેટ પેપરની મતગણતરી પૂર્ણ થયા બાદ 321 બુથના ઈવીએમની 23 રાઉન્ડની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે કુલ 70.55 ટકા મતદાન થયું હતું.
13મી નવેમ્બરે ચૂંટણી યોજાઈ હતી, જેમાં લગભગ 70.5 ટકા જેટલા મતદારોએ તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કર્યો હતો. આ બેઠક ઉપર રાજપૂત, પટેલ અને ઠાકોર સહિત કુલ 10 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હતા.
બનાસકાંઠામાંથી કૉંગ્રેસ પક્ષનાં ગેનીબહેન ઠાકોર આ બેઠક પરથી ધારાસભ્ય હતાં, પરંતુ તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં તેઓ સંસદસભ્યપદે ચૂંટાઈ આવતાં, તેમણે ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.
માવજીભાઈએ અપક્ષ ઉમેદવારી કરી હતી
નારાજ થયેલા માવજીભાઈએ અપક્ષ ઉમેદવારી કરી હતી. તેમને મનાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ થયા હતા અને તેઓ ચૂંટણી લડ્યા હતા. માવજીભાઈ આ બેઠક પર ત્રીજા નંબરે રહ્યા છે. ભાજપે મતદાન પૂર્વે માવજીભાઈ પટેલ સહિત પાંચ નેતાઓને પક્ષવિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી દૂર કર્યા હતા.
ગુલાબસિંહ રાજપૂત 18 રાઉન્ડ સુધી આગળ હતા
વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં ગુલાબસિંહ રાજપૂત 18 રાઉન્ડ સુધી આગળ ચાલી રહ્યા હતા. છેલ્લા ચાર રાઉન્ડમાં જ સ્વરુપજી ઠાકોરે શાનદાર વાપસી કરી અને જીત મેળવી છે. સ્વરુપજી ઠાકોરની આ જીતને ખૂબ જ મોટી માનવામાં આવે છે. આ વાવ બેઠક કૉંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પર જીત મેળવી છે.
કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે વાવની પેટાચૂંટણીમાં કોગ્રેસની જીતનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આજે કમળ પર ગુલાબ ભારે પડશે. ગુલાબસિંહ રાજપૂતની પાંચ હજારની લીડથી જીત થશે. વાવ ગુલાબસિંહનું હોમ ગ્રાઉન્ડ છે. સુઈગામ અને વાવમાં કૉંગ્રેસને સારી લીડ મળશે. ભાભર તાલુકામાં કૉંગ્રેસને ઓછા મત મળશે. ભાભરમાં ઠાકોર સમાજના વધુ મતદાર હોવાથી ભાજપને ફાયદો થશે.