(Source: ECI/ABP News/ABP Majha)
Ganesh Ustav 2024: અનંત ચતુદર્શીના દિવસે ગણેશજીને શા માટે જળમાં કરાઇ છે વિસર્જિત, જાણો પૌરાણિક ગાથા
Ganesh Ustav 2024: બધા સનાતન ધર્મના અનુયાયીઓ દર વર્ષે ગણપતિની સ્થાપના કરે છે, પરંતુ આપણામાંથી બહુ ઓછા લોકો જાણતા હશે કે, આપણે ગણપતિની સ્થાપના શા માટે કરીએ છીએ?
હાલ દેશભરમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્રથી લઇને આંધ્ર, ગુજરાત સુધી માહોલ ગણેશમય બની ગયો છે, ભાદરવાની ચૌથમાં આવતી આ ગણેશ ચતુર્થીમાં લોકો સોસાયટી, ઓફિસ, દુકાન, હોસ્પિટલ અને ઘરોમાં ગણેશની સ્થાપના કરે છે અને દસ દિવસ તેની સેવા પૂજા કરે છે. તો શું આપ જાણો છો કે આ ગણેશ ચતુર્થીમાં શા માટે દરેક ઘરે અને પંડાલમાં બાપ્પાની સ્થાપના કરીને તેમની દસ દિવસ સુધી સેવા પૂજા કરવામાં આવે છે. આ ગણેશ સ્થાપન અને પૂજાની પરંપરા પાછળ એક ગાથા છે.
આપણા ધાર્મિક ગ્રંથો અનુસાર મહર્ષિ વેદ વ્યાસે મહાભારતની રચના કરી છે પરંતુ આટલું લખવા માટે તેઓ ગણેશનો સહયોગ લીધો હતો. તેથી, તેમણે ભગવાન ગણેશની પૂજા કરી અને ભગવાન ગણેશને મહાભારત લખવા માટે પ્રાર્થના કરી.
Ganesh Ustav 2024: ગણપતિજી સહમત થયા અને આ લેખન કાર્ય દિવસ-રાત ચાલુ રહ્યું હતું. આ કારણે ગણેશજી થાકેલા હતા, પરંતુ તેમને પાણી પીવાની પણ મનાઈ હતી. તેથી, ગણપતિજીના શરીરનું તાપમાન વધતું અટકાવવા માટે, વેદ વ્યાસે તેમના શરીર પર માટી લગાવી અને ભાદ્રપદ શુક્લ ચતુર્થીના રોજ ગણેશજીની પૂજા કરી. જ્યારે માટીની પેસ્ટ સુકાઈ ગઈ ત્યારે ગણેશજીનું શરીર કડક થઈ ગયું, તેથી જ ગણેશજીનું નામ પાર્થિવ ગણેશ પણ પડ્યું. મહાભારતનું લેખન કાર્ય 10 દિવસ સુધી ચાલ્યું. અનંત ચતુર્દશીના રોજ લેખન કાર્ય પૂર્ણ થયું.
વેદવ્યાસે જોયું કે ગણપતિના શરીરનું તાપમાન હજુ પણ ઘણું વધારે છે અને તેમના શરીર પર લગાવવામાં આવેલ કાદવ સુકાઈ ગયો હતો. તેથી વેદવ્યાસે તેમને પાણીમાં નાખ્યા. બસ જ કારણ છે કે વિસર્જન અનંત ચતુર્દશીએ થાય છે અને તેમને અવશ્ય જળમાં વિસર્જિત કરાઇ છે. આ દસ દિવસો દરમિયાન વેદવ્યાસે ભગવાન ગણેશને ખાવા માટે વિવિધ વસ્તુઓ આપી. ત્યારથી ગણપતિની પૂજા કરવાની પરંપરા શરૂ થઈ. એટલા માટે આ દસ દિવસો દરમિયાન ભગવાન ગણેશને વિવિધ પ્રિય ખોરાક અર્પણ કરવામાં આવે છે.
ગણેશ ચતુર્થીને કેટલીક જગ્યાએ દંડ ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગુરુ-શિષ્ય પરંપરા હેઠળ આ દિવસથી અભ્યાસ શરૂ થયો હતો. ભગવાન ગણેશને બુદ્ધિ અને જ્ઞાનના દાતા પણ માનવામાં આવે છે. આ કારણોસર, કેટલાક વિસ્તારોમાં તેને દંડ ચોથ પણ કહેવામાં આવે છે.
- જ્યોતિષાચાર્ય તુષાર જોષી