ભારતમાં આ શહેરમાં ખુલશે TESLA નો પહેલો શૉરૂમ, એલન મસ્કની કંપનીએ શરૂ કરી કામગીરીઃ રિપોર્ટ
Tesla In India: એલન મસ્ક ભારતમાં રોકાણની વાત કરી ચૂક્યા છે. ટેસ્લાના સીઈઓએ કહ્યું હતું કે, તેઓ ભારતમાં 2-3 અબજ ડૉલરનું રોકાણ કરવા માંગે છે
Tesla In India: ભારતમાં ટેસ્લાના આગમનને લઈને ઘણા સમાચાર આવ્યા છે. કંપનીના સીઈઓ એલન મસ્ક પણ આ વર્ષે જ 2024માં ભારત આવવાના હતા, પરંતુ કેટલાક કારણોસર એલન મસ્કને તેમની મુલાકાત મુલતવી રાખવી પડી હતી, પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે એલન મસ્કની કંપની ટેસ્લાની કાર ભારતીય બજારમાં દસ્તક આપી શકે છે. રૉઇટર્સના અહેવાલ મુજબ, ટેસ્લાએ નવી દિલ્હીની આસપાસના વિસ્તારોમાં તેની કંપનીના શૉરૂમ માટે જગ્યા શોધવાનું પણ શરૂ કર્યું છે.
શું એલન મસ્ક કરશે ભારતમાં રોકાણ ?
એલન મસ્ક ભારતમાં રોકાણની વાત કરી ચૂક્યા છે. ટેસ્લાના સીઈઓએ કહ્યું હતું કે, તેઓ ભારતમાં 2-3 અબજ ડૉલરનું રોકાણ કરવા માંગે છે. આ પછી, કંપનીના ઘટતા વેચાણ વચ્ચે એલન મસ્કએ 10 ટકા કર્મચારીઓને કાઢી મૂક્યા અને તે સમયની રોકાણ યોજનાઓ પણ રદ્દ કરી. હવે ફરી એકવાર એવું લાગે છે કે Elon Musk ટેસ્લા સાથે ભારત માટે મોટી રોકાણ ડીલ લાવી શકે છે.
મીડિયા રિપૉર્ટ્સ અનુસાર, એલન ટેસ્લાએ તેના શૉરૂમ માટે દક્ષિણ દિલ્હીમાં DLF એવન્યૂ મૉલ સાથે ડીલરશિપની વાત કરી છે. ટેસ્લા શૉરૂમ માટે લગભગ 8,000 ચોરસ ફૂટની જગ્યા જોઈ રહી છે. નવી દિલ્હીના આ મોલમાં ઘણી વિદેશી કંપનીઓના શોરૂમ છે. ટેસ્લાએ હજુ સુધી શૉરૂમ માટે કોઈ સ્થાન નક્કી કર્યું નથી અને ન તો તેણે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે.
Tesla લાવશે ઇલેક્ટ્રિક કાર
દેશમાં ઈલેક્ટ્રિક વાહનો લૉન્ચ કરવાની સાથે ટેસ્લા ભારત સરકારની ઈવી પૉલીસીનો પણ લાભ લઈ શકે છે. હાલમાં ભારતનું EV બજાર ઘણું નાનું છે, જે કુલ કાર વેચાણના લગભગ બે ટકા જેટલું છે. ભારત સરકાર વર્ષ 2030 સુધીમાં ઇલેક્ટ્રિક વાહનોનો બજાર હિસ્સો વધારીને 30 ટકા કરવા માંગે છે. ભારતમાં ટેસ્લાની એન્ટ્રીથી EV માર્કેટને ઘણો ફાયદો થઈ શકે છે.
આ પણ વાંચો
ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી ટેસ્લાએ બનાવ્યો રેકોર્ડ, એલન મસ્કે ઝટકામાં કરી 20 હજાર કરોડ રૂપિયાની કમાણી