Honda ની મોટી જાહેરાત ! ભારતમાં લોન્ચ કરશે બે નવા ઇલેક્ટ્રિક સ્કૂટર, જાણો શું છે કંપનીની યોજના?
હોન્ડા તેના ઇલેક્ટ્રિક સ્કૂટર્સને સંપૂર્ણપણે નવા પ્લેટફોર્મ પર બનાવશે
ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ દિવસેને દિવસે વધી રહી છે. આવી સ્થિતિમાં મોટાભાગના ગ્રાહકોની નજર અગ્રણી ટુ-વ્હીલર ઉત્પાદક હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પર છે. પોતાના એક્ટિવાની મદદથી સ્કૂટર સેગમેન્ટમાં રાજ કરનારી આ કંપનીએ હવે ઈલેક્ટ્રિક વાહનોને લઈને મોટી જાહેરાત કરી છે. ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરનો મેગા પ્લાન શેર કરતા કંપનીએ જણાવ્યું છે કે કંપની 2024 સુધીમાં ભારતીય માર્કેટમાં બે ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરશે. તો ચાલો જાણીએ હોન્ડાના ઇલેક્ટ્રિક સ્કૂટર્સને લઈને કંપનીનો શું પ્લાન છે?
હોન્ડા તેના ઇલેક્ટ્રિક સ્કૂટર્સને સંપૂર્ણપણે નવા પ્લેટફોર્મ પર બનાવશે અને આ પ્લેટફોર્મ ખાસ માત્ર ઇલેક્ટ્રિક વાહનો માટે જ વિકસાવવામાં આવ્યું છે. કંપનીએ તેને 'પ્લેટફોર્મ-ઇ' કોડનેમ આપ્યું છે. આ પ્લેટફોર્મ પર ઘણાં વિવિધ મોડલ બનાવવામાં આવશે જે વિવિધ બેટરી પેક અને આર્કિટેક્ચર પર વિકસાવવામાં આવશે.
નાણાકીય વર્ષ-24 (એપ્રિલ 2023-માર્ચ 2024) ની વચ્ચે કંપની બજારમાં તેનું પ્રથમ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર લોન્ચ કરશે. તે નિશ્ચિત બેટરી સાથેનું 'મિડ-રેન્જ' ઇલેક્ટ્રિક વાહન હશે. જો કે તેની કિંમત વિશે અત્યારે ઘણું કહેવું મુશ્કેલ છે, પરંતુ એવું માનવામાં આવે છે કે તે વધુ સસ્તું અને સારી ડ્રાઇવિંગ રેન્જ સાથે માર્કેટમાં ઓફર કરવામાં આવશે.
કંપનીએ હજી સુધી તેના ઇલેક્ટ્રિક સ્કૂટરના નામ વિશે કોઈ માહિતી શેર કરી નથી, પરંતુ સંભવ છે કે કંપની પહેલું મોડલ એક્ટિવા ઇલેક્ટ્રિક તરીકે રજૂ કરે. હોન્ડાએ તાજેતરમાં એક પેટન્ટ પણ નોંધાવી છે જે આ આગામી ઈ-સ્કૂટરમાં ઉપયોગમાં લેવાતા કેટલાક ઘટકો માટે હોઈ શકે છે.
કંપની સ્વેપ કરી શકાય તેવા બેટરી પેક સાથે બીજા મોડલને રજૂ કરશે. પરંતુ તે પહેલા કંપની દેશના વિવિધ ભાગોમાં બેટરી સ્વેપિંગ પોઈન્ટ સ્થાપિત કરશે. ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે કંપની કહે છે કે તે સમગ્ર દેશમાં તેના 6,000+ ટચપોઈન્ટ્સ પર બેટરી-સ્વેપિંગ સ્ટેશનો સ્થાપિત કરવાની યોજના ધરાવે છે. આટલું જ નહીં, આમાંથી કેટલાકને યોગ્ય સમયે વર્કશોપ 'E'માં રૂપાંતરિત કરવામાં આવશે. આ સમર્પિત વર્કશોપ ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે ચાર્જિંગ કેબલ પ્રદાન કરવાનું ચાલુ રાખશે.
'ઇ-ફેક્ટરી'માં સ્કૂટર બનશે
Honda Motorcy & Scooter India કર્ણાટકના નાલાસુપારા ખાતે ઇલેક્ટ્રિક વાહનો માટે એક સમર્પિત પ્લાન્ટ બનાવી રહી છે. તેનું નામ Factory-E રાખવામાં આવ્યું છે, અહીં કંપની તેના આગામી ઇલેક્ટ્રિક વાહનોનું નિર્માણ કરશે. આ સુવિધામાં એડવાન્સ મશીનરી અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્લાન્ટમાં 2030 સુધીમાં 1 મિલિયન ઇલેક્ટ્રિક વાહનો બનાવવાની ક્ષમતા હશે.