Union Budget 2023 India: આગામી 1 વર્ષ સુધી મફત મળતુ રહેશે રાશન, નિર્મલા સીતારમણે સંસદમાં કરી જાહેરાત
બજેટ ભાષણ દરમિયાન નિર્મલા સીતારમણે ગરીબોને મોટી રાહત આપી અને કહ્યું કે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ને એક વર્ષ માટે લંબાવવામાં આવી રહી છે.
Union Budget 2023: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં વર્ષ 2023-24 (Budget 2023-24) માટેનું બજેટ રજૂ કરી રહ્યાં છે. બજેટ ભાષણ દરમિયાન નિર્મલા સીતારમણે ગરીબોને મોટી રાહત આપી અને કહ્યું કે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ને એક વર્ષ માટે લંબાવવામાં આવી રહી છે. એટલે કે, લોકો આગામી 1 વર્ષ માટે મફત રાશન લઈ શકશે.
શું છે PM ગરીબ કલ્યાણ યોજના
ખરેખર, કોરોના રોગચાળા દરમિયાન ભારતના દરેક ઘરમાં કોઈને ભૂખ્યા ન સૂવું પડે તે ધ્યાનમાં રાખીને, મોદી સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) શરૂ કરી. જેમાં ગરીબ કે જરૂરિયાતમંદને 5 કિલો અનાજ મફત આપવાની જોગવાઈ છે. કેન્દ્ર સરકારની પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ 80 કરોડ ગરીબોને મફત રાશનનો લાભ આપવામાં આવી રહ્યો છે. સપ્ટેમ્બર, 2022માં આ યોજનાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં સરકારે તેને વધુ લંબાવ્યો હતો.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે દેશની આઝાદીના અમૃતકાળનું આ પ્રથમ બજેટ છે. બજેટમાં અમારી સરકારે દરેક વર્ગ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. અમારો પ્રયાસ યુવાનો અને તમામ વર્ગના લોકોને આર્થિક મજબૂતી આપવાનો છે. વિશ્વમાં મંદી હોવા છતાં, ભારતમાં વર્તમાન વિકાસ દર 7 ટકાની આસપાસ છે. પડકારોથી ભરેલા સમયમાં ભારત વિકાસની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. દુનિયાભરના લોકોએ ભારતના વિકાસની પ્રશંસા કરી છે. આ બજેટ આગામી 25 વર્ષ માટે બ્લુ પ્રિન્ટ છે. કોરોના મહામારી સામે ચાલી રહેલા અભિયાને દેશને એક નવા સ્તરે લઈ ગયો છે અને દુનિયાએ ભારતની તાકાતને ઓળખી છે.
આવકવેરામાં સૌથી મોટી રાહત
નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ, 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. 3 થી 6 લાખ રૂપિયાની આવક પર 5% ટેક્સ ચૂકવવો પડશે. 6 થી 9 લાખ રૂપિયાની આવક પર 10 ટકા, 9 થી 12 લાખ રૂપિયાની આવક પર 15 ટકા, 12 થી 15 લાખ રૂપિયાની આવક પર 20 ટકા અને 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગશે.
ડાયરેક્ટ ટેક્સ
નાણામંત્રીએ કહ્યું કે ટેક્સ રિટર્નની પ્રક્રિયા 90 દિવસથી ઘટાડીને 16 દિવસ કરવામાં આવી છે અને એક દિવસમાં 72 લાખ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. કરદાતાની ફરિયાદ નિવારણમાં સુધારો થયો છે અને સામાન્ય IT રિટર્ન ફોર્મ્સ આવશે જે રિટર્ન ફાઇલિંગને સરળ બનાવશે.