Union Budget 2023: આ લોકોને બજેટમાં આપેલ ટેક્સ છૂટનો કોઈ જ લાભ નહીં મળે, જાણો શું છે કારણ
સરકાર 2020માં લાવેલી નવી કર પ્રણાલીમાં, સ્ટાન્ડર્ડ ડિડક્શન, HRA અને LTA જેવી તમામ કરમુક્તિ નાબૂદ કરવામાં આવી હતી.
Union Budget 2023: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું પૂર્ણ બજેટ રજૂ કર્યું. નિર્મલા સીતારમણે કહ્યું છે કે અમૃતકાળનું આ પહેલું બજેટ છે. બજેટ દરમિયાન નાણામંત્રીએ ટેક્સ સ્લેબને લઈને મોટી જાહેરાત કરી છે. આવકવેરા મુક્તિ 5 લાખથી વધારીને 7 લાખ કરવામાં આવી છે. સાથે જ વાર્ષિક કમાણીના હિસાબે ટેક્સના દરમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે, નવી ટેક્સ સિસ્ટમમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. એટલે કે જે લોકો નવી ટેક્સ સિસ્ટમનો વિકલ્પ પસંદ કરશે તેમને જ આ છૂટ મળશે. જે લોકો જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ કપાતનો દાવો કરે છે, તેમને 7 લાખ સુધીની આવક પર કર મુક્તિનો લાભ નહીં મળે.
આવકવેરાના નવા દરો અનુસાર, ત્રણ લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. બીજી તરફ, 3 થી 6 લાખની વાર્ષિક આવક પર 5%, 6 થી 9 લાખની વાર્ષિક આવક પર 10%, 9 થી 12 લાખની આવક પર 15%, 12 થી 15 લાખની આવક પર 20% અને 15 લાખથી વધુની આવક પર 30% મળશે. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા 1 એપ્રિલ 2020ના રોજ નવી ટેક્સ સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. નવી કર પ્રણાલીમાં નવા ટેક્સ સ્લેબ બનાવવામાં આવ્યા હતા, પરંતુ આવકવેરામાં ઉપલબ્ધ તમામ કપાત અને મુક્તિઓ નાબૂદ કરવામાં આવી હતી.
સરકાર 2020માં લાવેલી નવી કર પ્રણાલીમાં, સ્ટાન્ડર્ડ ડિડક્શન, HRA અને LTA જેવી તમામ કરમુક્તિ નાબૂદ કરવામાં આવી હતી. આ સિવાય EPF, LIP, સ્કૂલ ફી, PPF, હોમ લોન રિપેમેન્ટ, ELSSમાં પણ ટેક્સ છૂટ 80C હેઠળ ઉપલબ્ધ નથી. નિષ્ણાતોના મતે 7 કરોડ કરદાતાઓમાંથી માત્ર 5 લાખ લોકોએ જ નવી ટેક્સ સિસ્ટમ પસંદ કરી હતી. પરંતુ હવે ટેક્સ સ્લેબમાં ફેરફાર બાદ કદાચ લોકોનો તેમાં રસ વધશે. જેઓ PPF, NPS જેવી યોજનાઓમાં રોકાણ કરવા માંગતા નથી અને તમામ કપાતનો દાવો કરવા માંગતા નથી તેમના માટે પણ નવી કર પ્રણાલી વધુ સારી છે.
2020માં આવેલી નવી ટેક્સ સિસ્ટમમાં સાત આવક સ્લેબ બનાવવામાં આવ્યા હતા. જે મુજબ જેમની વાર્ષિક આવક 2.5 લાખ સુધી છે, તેમણે ટેક્સ ભરવાનો નથી. જેમની આવક 2.5 લાખથી 5 લાખ છે તેમણે 5% ટેક્સ ભરવો પડશે અને જેમની વાર્ષિક આવક 5 લાખથી 7.5 લાખ છે તેમણે 10% ટેક્સ ચૂકવવો પડશે. જ્યારે 7.5 થી 10 લાખની વાર્ષિક આવક પર 15% આવકવેરો ભરવો પડે છે. 10 લાખથી 12.5 લાખની વાર્ષિક આવક પર 20%, 12.5 થી 15 લાખની વાર્ષિક આવક પર 25% અને 15 લાખથી વધુની વાર્ષિક આવક પર 30% ટેક્સ ચૂકવવો પડશે.