Crime News: અમદાવાદમાં 24 કલાકમાં 3 હત્યા! અમરાઈવાડી, સરખેજ, રાણીપ... કાયદાની કોઈ બીક રહી કે નહીં? શહેરમાં સનસનાટી
Ahmedabad crime news: અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં મિત્રતાના સંબંધો પર કલંક લગાડતી એક ઘટના સામે આવી છે, જેમાં એક યુવકની તેના જ મિત્રએ હત્યા કરી નાખી છે.

Ahmedabad crime news: અમદાવાદ શહેરમાં હત્યાના ત્રણ જુદા-જુદા કિસ્સાઓ સામે આવ્યા છે, જેણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કર્યા છે. અમરાઈવાડી માં મિત્ર વિનોદ મલ્હાએ પોતાની પત્ની સાથે આડા સંબંધોની શંકાના આધારે મિત્ર ગોપાલની ચપ્પુના ઘા મારીને હત્યા કરી નાખી છે. બીજી તરફ, સરખેજ માં સગીરાની હત્યાનો ભેદ ઉકેલાયો છે, જેમાં તેના પ્રેમી અજય ઠાકોરે લગ્ન માટેના દબાણથી કંટાળીને મિત્ર સાથે મળીને હત્યા કરી હતી અને તેની મુંબઈથી પરત ફરતા ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, રાણીપ માં બેરોજગાર અને ઝઘડાખોર પુત્રની કરતૂતોથી કંટાળીને પિતા ભાઈલાલ ગોહિલે ધારીયાના ઘા મારીને પુત્ર જયેશની હત્યા કરી નાખી છે. પોલીસે ત્રણેય કેસમાં આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
અવિશ્વાસ અને પ્રેમસંબંધોનું પરિણામ: અમરાઈવાડીમાં મિત્રની હત્યા
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં મિત્રતાના સંબંધો પર કલંક લગાડતી એક ઘટના સામે આવી છે, જેમાં એક યુવકની તેના જ મિત્રએ હત્યા કરી નાખી છે. ન્યુ ભવાનીનગરમાં રહેતા ગોપાલ નામના યુવકની હત્યાના આરોપસર પોલીસે તેના મિત્ર વિનોદ મલ્હાની ધરપકડ કરી છે. આ હત્યાનું મૂળ કારણ શંકા અને ગેરસમજમાં છુપાયેલું છે.
મણીનગરની એક કેએફસી (KFC) માં મેનેજર તરીકે નોકરી કરતા મૃતક ગોપાલને ત્યાં જ કામ કરતી આરોપી વિનોદની પત્ની નેહા સાથે પ્રેમસંબંધ હોવાની વિનોદને શંકા હતી. આ શંકાના આધારે વિનોદે અગાઉ પણ ગોપાલને પોતાની પત્નીથી દૂર રહેવાની ધમકી આપી હતી. જોકે, રવિવારના દિવસે આરોપી વિનોદ જ્યારે ઘરે પહોંચ્યો, ત્યારે તેણે ગોપાલ અને નેહાને સાથે જોયા. આના પગલે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, જેમાં ગુસ્સે ભરાયેલા વિનોદે ચપ્પુના ઘા મારીને ગોપાલની હત્યા કરી નાખી હતી. મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે અમરાઈવાડી પોલીસે આરોપી વિનોદની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લગ્ન માટેના દબાણથી કંટાળી: સરખેજમાં સગીરાની હત્યાનો ભેદ ઉકેલાયો
અમદાવાદના સરખેજ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ કેનાલમાંથી મળી આવેલી સગીરાની હત્યા કરાયેલી લાશનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. સરખેજ પોલીસે આ કેસના મુખ્ય આરોપી અને સગીરાના પ્રેમી અજય ઠાકોરની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે સગીરા અને આરોપી અજય ઠાકોર વચ્ચે પ્રેમ સંબંધ હતો. જોકે, સગીરા આરોપી અજય ઠાકોર પર લગ્ન કરવા માટે સતત દબાણ કરી રહી હતી, જેનાથી અજય ઠાકોર કંટાળી ગયો હતો. આ દબાણથી છુટકારો મેળવવા માટે આરોપી અજય ઠાકોરે તેના એક મિત્ર સાથે મળીને તીક્ષ્ણ હથિયારથી સગીરાની હત્યા કરી નાખી હતી અને ગુનો કર્યા બાદ તે મુંબઈ ફરાર થઈ ગયો હતો. પૈસા ખૂટી જતાં આરોપી અજય ઠાકોર અમદાવાદ પરત ફર્યો, ત્યારે બાતમીના આધારે સરખેજ પોલીસે તેને ઝડપી લીધો હતો.
પુત્રની કરતૂતોથી કંટાળીને પિતાએ કરી હત્યા: રાણીપનો કરુણ કિસ્સો
અમદાવાદના રાણીપ માં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં બેરોજગાર પુત્રની કરતૂતોથી કંટાળીને પિતાએ જ તેની હત્યા કરી નાખી છે. રાણીપના ખોડીયારનગરમાં રહેતા ભાઈલાલ ગોહિલ નામના પિતાએ પોતાના પુત્ર જયેશને ધારીયાના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક જયેશ લાંબા સમયથી બેરોજગાર હતો અને પિતા તેમજ પરિવારના અન્ય સભ્યો સાથે વારંવાર ઝઘડા કરતો હતો. તેના આ વારંવારના ઝઘડાથી કંટાળીને તેની પત્ની પણ છેલ્લા એક વર્ષથી પિયર ચાલી ગઈ હતી. જયેશ પરિવાર પાસે સતત રૂપિયાની માગણી કરતો હતો અને જો રૂપિયા ન મળે તો ઘરમાંથી નાની-મોટી ચોરીઓ પણ કરતો હતો. પુત્રની આ જ કરતૂતો અને ઝઘડાઓથી આખરે કંટાળી ગયેલા પિતા ભાઈલાલ ગોહિલે આવેશમાં આવીને ધારિયાના ઘા ઝીંકીને પુત્રની હત્યા કરી નાખી. હત્યાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને પિતાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.





















