Ankita Murder Case: અંકિતા પર પુલકિત આર્યની હતી ખરાબ નજર, પોતાના રૂમમાં શિફ્ટ થવા કહ્યુ હતું, વોટ્સએપ ચેટમા થયો ખુલાસો
ઉત્તરાખંડમાં રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારી મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે
Uttarakhand Ankita Murder Case: ઉત્તરાખંડમાં રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારી મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રિસોર્ટના માલિક પુલકિત આર્યની અંકિતા પર ખરાબ નજર હતી. મળતી માહિતી મુજબ પુલકિત આર્ય અંકિતાની નજીક આવવા માટે ઘણા સમયથી પ્લાન કરી રહ્યો હતો. તપાસ દરમિયાન અંકિતા અને તેના એક મિત્રની વોટ્સએપ ચેટમાં મહત્વના ખુલાસા થયા છે. ચેટમાં અંકિતા જણાવે છે કે પુલકિત આર્યએ તેને રિસોર્ટમાં તેના રૂમમાં શિફ્ટ થવા કહ્યું હતું.
પુલકિત આર્યએ સૌથી પહેલા અંકિતાને રિસોર્ટમાં રહેવા માટે સ્ટાફ રૂમ આપ્યો. પાછળથી પુલકિત આર્યએ અંકિતાને કહ્યું કે રિસોર્ટમાં ઘણા બધા મહેમાનો આવવાના છે, તો તું થોડા દિવસ મારી બાજુના રૂમમાં શિફ્ટ થઈ જા, આ રૂમ જોઈન્ટ હતો.
પુલકિત આર્યની અંકિતા પર ખરાબ નજર હતી?
ચેટમાં અંકિતા આ બધી વાતો તેના મિત્રને કહી રહી છે. મિત્ર પૂછે છે કે શું તે સુરક્ષિત રહેશે? આના પર અંકિતા કહે છે કે અત્યાર સુધી તે સુરક્ષિત લાગે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અંકિતાને રૂમની નજીક શિફ્ટ કર્યા બાદ પુલકિતે તેની છેડતી પણ કરી હતી. બાદમાં મામલો વધતો જોઈ પુલકિતે બીજા દિવસે અંકિતાની માફી માંગી અને કહ્યું કે માફ કરજે હું નશામાં હતો.
શનિવારે ચીલા કેનાલમાંથી લાશ મળી આવી હતી
ઉલ્લેખનીય છે કે અંકિતા ભંડારી 18 સપ્ટેમ્બરે ગુમ થઈ હતી, જેના 5 દિવસ પછી શનિવારે તેનો મૃતદેહ ચિલા કેનાલમાંથી મળી આવ્યો હતો. અંકિતા હત્યા કેસમાં પોલીસે ભાજપ નેતાના પુત્ર પુલકિત આર્ય સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી. શનિવારે તમામ આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. અંકિતા હત્યા કેસમાં પુલકિત આર્યની ધરપકડ બાદ ભાજપે વિનોદ આર્ય અને તેમના પુત્ર ડૉ.અંકિત આર્યને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા.
પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા પછી, અંકિતાના અંતિમ સંસ્કારને આજે અટકાવી દેવામાં આવ્યા છે. પરિવારના સભ્યોએ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા હતા અને તેને ફરીથી કરાવવાની માંગ કરી હતી. વહીવટીતંત્ર આજે અંતિમ સંસ્કાર કરવા માટે પરિવારના સભ્યોને સમજાવવામાં વ્યસ્ત છે. અંકિતાના પરિવારજનોએ પણ સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. પરિવારજનોએ સવાલ ઉઠાવતા પૂછ્યું કે, રિસોર્ટ કેમ તોડી પાડવામાં આવ્યું? સંબંધીઓએ દાવો કર્યો હતો કે પુરાવાનો નાશ કરવા માટે આ રિસોર્ટને તોડી પાડવામાં આવ્યું છે.