Ahmedabad : મોડી રાતે પ્રેમિકા સાથે એકાંત માણવા ઘરે આવ્યો પ્રેમી ને પતિ જોઇ ગયો, ને પછી તો
શહેરના રામોલમાં આવેલી ગાયત્રીપાર્ક સોસાયટીમાં યુવતીને પતિના મિત્ર સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. પતિની ગેરહાજરીમાં પ્રેમિકાને ઘરમાં મળવા આવતો હતો.
અમદાવાદઃ ગઈ કાલે શહેરમાં એક જ દિવસમાં 3-3 હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. શહેરના રામોલ વિસ્તારમાં યુવકે તેની પ્રેમિકાની હત્યા કરીને પોતે પણ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. પરિણીતાના મોતને પગલે ત્રણ સંતાનોએ માતાની છત્રછાંયા ગુમાવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, શહેરના રામોલમાં આવેલી ગાયત્રીપાર્ક સોસાયટીમાં યુવતી તેના પતિ અને ત્રણ સંતાનો સાથે રહેતી હતી. યુવતીના પતિને કારખાનમાં કામ બાબતે આરોપી સાથે ઓળખાણ થઈ હતી. આ પછી તે યુવતીના ઘરે આવતો હતો. જેને કારણે પરિણીતા અને પતિના મિત્રને પ્રેમ થઈ ગયો હતો.
એક માસ અગાઉ પરિણીતા ધાબા પર સૂતી હતી, ત્યારે મોડી રાતે તેનો પ્રેમી મળવા આવ્યો હતો. આ જ સમયે તેનો પતિ આવી જતાં બંનેને જોઇ ગયો હતો. જેને કારણે હોબાળો થઈ ગયો હતો અને પતિએ સાસરીવાળાને બોલાવીને આ અંગે જાણ કરતાં પરિણીતાએ માફી માંગી લીધી હતી અને હવે પછી આવું નહીં થાય તેમ જણાવ્યું હતું.
જોકે, ગઈ કાલે બપોરે પતિ અને તેના સાસુ બહાર ગયા હતા, ત્યારે તેનો પ્રેમી આવી ગયો હતો. તેમજ તેણે ઘરને અંદરથી લોક કરી દીધું હતું અને નાનીની હાજરીમાં પ્રેમિકા સાથે ઝઘડો કર્યો હતો. આથી નાની વચ્ચે પડી હતી. જોકે, તેમને ધક્કો મારતાં તેઓ નીચે પડી ગયા હતા.
આ પછી પ્રેમીએ છરીથી પ્રેમિકા પર હુમલો કરી દીધો હતો. શરીર પર છરીના ઉપરા-ઉપરી ઘા કરતાં પરિણીતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ પછી પ્રેમીએ જાતે પોતાના ઘળા અને પેટમાં છરીના ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હોબાળો થતાં પાડોશીએ પરિણીતાના પતિને ફોન કરતાં તેઓ આવી ગયા હતા. આ પછી આરોપીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.