CRIME NEWS : ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મી હોવાની ઓળખ આપી વાહનચાલકોને ખંખેરતાં 4 ઠગબાજો ઝડપાયા
AHMEDABAD NEWS : નકલી પોલીસનો અસલી પોલીસ સાથે સામનો થતા ભાંડો ફૂટ્યો.
AHMEDABAD : ક્રાઈમ બ્રાન્ચના પોલીસકર્મી તરીકે ઓળખ આપી વાહનચાલકો પાસે તોડ કરતી નકલી પોલીસની ટોળકી અસલી પોલીસના હાથે ઝડપાઈ છે. બાઈક લઈને જઈ રહેલા અસલી પોલીસ કર્મીને રોકી લાયસન્સ તથા આરસી બુક જેવા દસ્તાવેજો માંગી પરેશાન કરનાર નકલી પોલીસને ખોખરા પોલીસે ઝડપી લીધી છે. પોલીસને આશંકા છે કે આરોપીની પૂછપરછમાં અન્ય ગુનાનો પણ ભેદ ઉકેલાશે. કારણ કે આરોપીએ અગાઉ પણ પોલીસના નામે ગુનાઓ આચર્યા છે.
અસલી પોલીસના દસ્તાવેજો ચેક કરતા ભાંડો ફૂટ્યો
ખોખરા પોલીસ ની કસ્ટડીમાં રહેલા આરોપીઓ ક્રાઈમ બ્રાંચના પોલીસ કર્મી તરીકે ઓળખ આપી વાહન ચાલકો પાસેથી રૂપિયા પડાવતા હતા.સરફરાજ સૈયદ, કૃણાલ શાહ, જાફર રંગરેજ અને લિયાકતહુશેન શેખ નામના આ ચાર આરોપી શહેરના કોઈપણ ચાર રસ્તે ઉભા રહી જતા અને પોતે ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હોવાનું જણાવી, વાહન ચાલકો પાસેથી દસ્તાવેજો ચેક કરતાં. કોઈ પણ બહાને તેમની પાસેથી રૂપિયા પડાવતા હતા.જોકે ગઈકાલે તેમનો સામનો અસલી પોલીસ કર્મી સાથે થયો.અને આજે તે જેલના સળિયા ગણી રહ્યા છે.
ખોખરા પોલીસે ચારેય ઠગ સામે ગુનો નોંધ્યો
બનાવની વિગત જોઈએ તો ગત મોડી રાતે ચારેય આરોપી પોતાની નંબર પ્લેટ વિનાની બે બાઈકો લઈ હાટકેશ્વર બ્રિજના છેડે ઉભા હતા અને રૂપિયા પડાવવા માટે વાહન ચાલકોને રોકી રહ્યા હતા.તેવામાં ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી સાગરદાનને આરોપીએ રોકી ડોક્યુમેન્ટ માંગ્યા હતા.જોકે પોલીસકર્મીને શક જતા તેઓએ ડોક્યુમેન્ટ મંગાવવાના બહાને પોલીસને બોલાવી લીધી અને 4 નકલી પોલીસ કર્મી ઝડપાઈ ગયા. ખોખરા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ચારે આરોપીની ધરપકડ કરી પુછપરછ કરતા સામે આવ્યુ કે આરોપી અગાઉ પણ આ જ પ્રકારના ગુનામા ઝડપાયા હતા. જેથી પોલીસ તે તપાસમા જોતરાઈ છે કે આખરે આરોપીઓએ અન્ય કેટલા ગુનાને અંજામ આપ્યો છે અને તેમની પાસે પોલીસકર્મીના બનાવટી ઓળખકાર્ડ છે કે કેમ?
આ પણ વાંચો :
Gandhinagar: 15 ઓગસ્ટ અગાઉ પોલીસ પરિવારને મળશે મોટી ભેટ, ગ્રેડ-પે મુદ્દે ગુજરાત સરકાર લેશે નિર્ણય