અમદાવાદમાં ઓનલાઇન ઠગ ટોળકીનો ત્રાસ: ડિજિટલ ધરપકડથી લઈને ફ્રેન્ચાઇઝી કૌભાંડ સુધી લાખોની છેતરપિંડી
શહેરમાં સાયબર માફિયાઓનો ઉપદ્રવ, નાગરિકો લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે.

cyber fraud in Ahmedabad: અમદાવાદ શહેરમાં સાયબર ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. તાજેતરમાં શહેરમાં ડિજિટલ ધરપકડ, ઓનલાઈન રોમાન્સ સ્કેમ અને ફ્રેન્ચાઇઝી કૌભાંડ જેવી અનેક ઘટનાઓ સામે આવી છે, જેમાં નાગરિકોએ લાખો રૂપિયા ગુમાવ્યા છે. આ ઘટનાઓ દર્શાવે છે કે સાયબર માફિયાઓ નવા નવા કીમિયાઓ અજમાવીને લોકોને છેતરી રહ્યા છે અને નાણાં પડાવી રહ્યા છે.
ડિજિટલ ધરપકડના નામે લાખોની છેતરપિંડી
અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિજિટલ ધરપકડની એક ચોંકાવનારી ઘટના બની છે. સાર્થક દુધારા નામના એક વ્યક્તિને સાયબર માફિયાઓએ તાઇવાનથી પાર્સલ પકડાયું હોવાનું જણાવીને ડિજિટલ ધરપકડ કરી હતી. માફિયાઓએ પાર્સલમાં પાંચ પાસપોર્ટ, રોકડા રૂ. 35,000 અને 200 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હોવાનું જણાવી સાર્થકને ધમકી આપી હતી. સ્કાયપે મની એપ્લિકેશનમાં વીડિયો કોલ કરીને ડ્રગ્સ ટ્રાફિકિંગ અને મની લોન્ડરિંગના ગુનામાં સંડોવાયેલા હોવાનું જણાવી ડરાવવામાં આવ્યા હતા. બે દિવસ સુધી ડિજિટલ ધરપકડ કરીને સાર્થકના બે બેન્ક ખાતામાંથી 98% રકમ એટલે કે રૂ. 56.52 લાખ ચાઉં કરી ગયા હતા. આ મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા સાયબર માફિયાઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
ઇન્સ્ટાગ્રામ પર યુકેના ડોક્ટર બની છેતરપિંડી
શહેરના શાહપુર વિસ્તારમાં એક મહિલા સાયબર માફિયાઓનો શિકાર બની છે. સાયબર માફિયાઓએ ઇન્સ્ટાગ્રામ પર યુકેના ડોક્ટર તરીકે ઓળખ આપી મહિલા સાથે ચેટિંગ શરૂ કર્યું હતું. બાદમાં આર્થિક મદદ કરવાનું કહી મહિલા પાસેથી પાસપોર્ટ સાઇઝના ફોટા અને બેંક ડિટેલ્સ મેળવી હતી. મહિલાના ખાતામાં 15000 યુકે ડોલર અને 1200 ડોલર જમા થયા હોવાના મેસેજ મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ સાયબર માફિયાએ મહિલાને મેસેજ કરીને જણાવ્યું કે ખાતામાં દસ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. જ્યારે મહિલા પૈસા ઉપાડવા ગઈ ત્યારે તેને પ્રોસેસિંગ ફી ભરવાનું કહેવામાં આવ્યું હતું. મહિલાએ પ્રોસેસિંગ ફીના નામે રૂ. 28,998 સાયબર માફિયાઓના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. વધુ 65,000 રૂપિયાની માંગણી કરતા મહિલાને શંકા ગઈ અને તેણે પતિને વાત કરતા છેતરપિંડી થયાનું માલુમ પડ્યું હતું. આ સમગ્ર મામલે શાહપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા સાયબર માફિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
ફ્રેન્ચાઇઝીના નામે કરોડોનું કૌભાંડ
અમદાવાદમાં ડેલ્ટા લાઇન કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. બોપલ વિસ્તારમાં દિવ્યેશ સાંગાણી નામના વેપારી સહિત 40 લોકો પાસેથી એમટીએફ ટ્રેડિંગ અંગે એકાઉન્ટ ખોલાવી 8 થી 15 ટકા નફો આપવાની લાલચ આપી હતી. લોકો પાસેથી સિક્યુરિટી ડિપોઝિટ પેટે રૂ. 24.16 કરોડ મેળવી પ્રમોદ પટવા અને આગમ પટવા નામના પિતા-પુત્ર ઓફિસ અને ઘર બંધ કરીને ફરાર થઈ ગયા હતા. આ મામલે દિવ્યેશ સાંગાણીએ CID ક્રાઇમમાં પ્રમોદ પટવા અને આગમ પટવા વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો....
ગુજરાતના શિક્ષણ જગતને લાંછન: અમરેલીથી બોટાદ સુધી ગુરુ બન્યા હેવાન, વિદ્યાર્થીની સુરક્ષા જોખમમાં





















