'મિત્રતાનો અર્થ સહમતિ નહીં, જાતીય શોષણ માટે પીડિતાને દોષિત ઠેરવી શકાય નહીં': દિલ્હી હાઈકોર્ટ
તાજેતરના એક મહત્વપૂર્ણ ચુકાદામાં દિલ્હી હાઈકોર્ટે સેશન્સ કોર્ટના આદેશને ફગાવી દીધો હતો

તાજેતરના એક મહત્વપૂર્ણ ચુકાદામાં દિલ્હી હાઈકોર્ટે સેશન્સ કોર્ટના એ આદેશને ફગાવી દીધો હતો જેમાં જાતીય હુમલાનો ભોગ બનેલી મહિલાના ચારિત્ર્ય પર ટિપ્પણી કરવામાં આવી હતી. આરોપીને જામીન આપતી વખતે સેશન્સ કોર્ટે જણાવ્યું હતું કે મહિલા શિક્ષિત હતી અને તેણી તેના કૃત્યોના પરિણામોથી વાકેફ હોવી જોઈએ. પીડિતાએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જસ્ટિસ અમિત મહાજનની સિંગલ બેન્ચે જણાવ્યું હતું કે આરોપી સાથે મહિલાના મૈત્રીપૂર્ણ અથવા સૌહાર્દપૂર્ણ સંબંધોથી એવો નિષ્કર્ષ ન કાઢી શકાય કે તેણીએ જાતીય હુમલા માટે સંમતિ આપી હતી.
કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, "પીડિતા આરોપીને જાણતી હતી અથવા તેની સાથે સારા સંબંધો ધરાવતી હતી તેનો અર્થ એ નથી કે તે જાતીય હુમલા માટે જવાબદાર છે. કોઈ પણ વ્યક્તિને એ અધિકાર નથી કે તે પીડિતાની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે આવું વર્તન કરે." કોર્ટે એમ પણ કહ્યું હતું કે સેશન્સ કોર્ટ દ્વારા પીડિતાના ચારિત્ર્ય પર પ્રશ્ન ઉઠાવવો માત્ર અન્યાયી જ નહોતો પણ તેના માનસિક આઘાતને પણ તુચ્છ ગણાવ્યો હતો.
આખો મામલો શું હતો?
અરજીમાં જણાવાયું હતું કે પીડિતા અને આરોપી ફોન પર વાતચીત કરવા લાગ્યા હતા. એક દિવસ તેઓ ડિનર માટે મળ્યા ત્યારબાદ આરોપીએ તેણીને JNU કેમ્પસમાં તેના હોસ્ટેલ રૂમમાં રહેવા કહ્યું હતું. જ્યારે મહિલા બીજા દિવસે જઈ રહી હતી ત્યારે તેણે તેણીને વધુ એક રાત રોકાવાનું કહ્યું. તેણી સહમત થઈ હતી પરંતુ જ્યારે તે બીજા દિવસે સવારે ઉઠી, ત્યારે તેણીએ આરોપીને તેની બાજુમાં જોયો, જે તેણીને અયોગ્ય રીતે સ્પર્શ કરી રહ્યો હતો.
થોડા દિવસો પછી આરોપીએ તેણીને ફરીથી ફોન કર્યો અને ફરીથી તેનું જાતીય શોષણ કર્યું હતું. આ પછી પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં સેશન્સ કોર્ટે તેને જામીન આપ્યા હતા.
હાઈકોર્ટે સેશન્સ કોર્ટની ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી
સેશન્સ કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે મહિલા "શિક્ષિત" હતી અને તેણે તેના નિર્ણયોના પરિણામોને સમજવા જોઈએ. હાઈકોર્ટે આ ટિપ્પણીને "અયોગ્ય અને અસંવેદનશીલ" ગણાવી અને કહ્યું કે જામીન સુનાવણી દરમિયાન આવા અવલોકનો અયોગ્ય હતા. કોર્ટે કહ્યું હતું કે, "આવી ટિપ્પણીઓ પીડિતાના ચારિત્ર્ય પર શંકા ઉભી કરે છે. પહેલી ઘટના પછી તે ફરી આરોપીને મળી હોવાથી તેનો અર્થ એ નથી કે આરોપો ખોટા છે કે ઓછા ગંભીર છે."
કોર્ટે કયા નિર્દેશો આપ્યા?
દિલ્હી હાઈકોર્ટે સેશન્સ કોર્ટ દ્વારા કરવામાં આવેલી બધી વાંધાજનક ટિપ્પણીઓને રદ કરતા સ્પષ્ટતા કરી કે અદાલતોએ આવા કેસોમાં સંવેદનશીલતા અને નિષ્પક્ષતાથી કામ કરવું જોઈએ. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જામીન સુનાવણી દરમિયાન પીડિતાના ચારિત્ર્ય અથવા વ્યક્તિગત નિર્ણયો પર ટિપ્પણી કરવી ન્યાયિક શિષ્ટાચારની વિરુદ્ધ છે.





















